04 August, 2025 12:16 PM IST | Moscow | Gujarati Mid-day Correspondent
રશિયામાં ગઈ કાલે ૬૦૦ વર્ષ પછી ક્રોશેનિનિકોવ જ્વાળામુખી ફાટતાં સમગ્ર વિસ્તારમાં રાખનાં વાદળાં છવાઈ ગયાં હતાં.
૩૦ જુલાઈએ ૮.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા પછી રશિયાની ધરતી ફરી શક્તિશાળી ભૂકંપથી ધ્રૂજી ઊઠી છે. ગઈ કાલે રશિયાના કુરિલ ટાપુઓમાં ૭.૦ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ટાપુઓ જપાનથી ૧૮૦૦ કિલોમીટર દૂર છે. આ ભૂકંપ પછી રશિયાના કામચટકાના ત્રણ ભાગોમાં ગઈ કાલે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. જોકે એવી અપેક્ષા છે કે મોજાંની ઊંચાઈ ઓછી હશે, પરંતુ લોકોને દરિયાકિનારા પાસેના વિસ્તારોમાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. દરિયાકિનારા અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ જવાની અપીલ કરવામાં આવી છે.
ભૂકંપવાળા વિસ્તારમાં આવેલો ક્રોશેનિનિકોવ જ્વાળામુખી ૬૦૦ વર્ષ પછી પહેલી વાર ગઈ કાલે ફાટ્યો હતો અને એમાંથી આગની ધગધગતી જ્વાળાઓ વહેતી હતી. ૧૮૬૫ મીટરની ઊંચાઈ ધરાવતા આ જ્વાળામુખીની રાખ આકાશમાં ૬૦૦૦ મીટર સુધી ઊંચે ગઈ હતી.