રશિયાએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન પર લગાવ્યો ટ્રાવેલ બેન, યાદીમાં 963 અમેરિકનો

22 May, 2022 08:51 PM IST  |  Moscow | Gujarati Mid-day Online Correspondent

અભિનેતા મોર્ગન ફ્રીમેનનું નામ પણ સામેલ

ફાઇલ તસવીર

રશિયા અને યુક્રેન વચ્ચે 88 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની વચ્ચે ઘણા દેશો વચ્ચે તણાવ અને દૂરીઓ વધતી જોવા મળી રહી છે. અમેરિકા ખુલ્લેઆમ યુક્રેનની સાથે ઊભું છે, ત્યારે રશિયા શરૂઆતથી જ સખત વાંધો વ્યક્ત કરી રહ્યું છે. હવે રશિયાએ અમેરિકાના 963 લોકોના પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ બધા લોકો રશિયા આવી શકશે નહીં. આ નામોમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને અભિનેતા મોર્ગન ફ્રીમેનનું નામ પણ સામેલ છે.

રશિયાએ આ અંગે અમેરિકાના પ્રતિબંધિત લોકોની યાદી જાહેર કરી છે. તેમાં યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ, સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન, પેન્ટાગોન લોઈડ ઓસ્ટિન અને સીઆઈએ ચીફ વિલિયમ બર્ન્સનું નામ પણ છે. તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલી રહ્યું છે.

પશ્ચિમી દેશો સાથે રશિયાના બગડતા સંબંધો

આ યાદી રશિયન વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે. રશિયન વિદેશ મંત્રાલયે કહ્યું કે “અમે ભારપૂર્વક કહીએ છીએ કે વોશિંગ્ટન દ્વારા પ્રતિકૂળ વર્તન કરવામાં આવ્યું છે. ખરેખર, 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર આક્રમણ થયા બાદથી રશિયાના પશ્ચિમી દેશો સાથેના સંબંધો બગડતા જોવા મળી રહ્યા છે. સૌપ્રથમ યુ.એસ. અને તેના સાથીઓએ મોસ્કો પર સખત પ્રતિબંધો લાદ્યા અને યુક્રેનને શસ્ત્રો પુરવઠો આપવા અપીલ કરી હતી.

વધુમાં રશિયાએ કેનેડિયન વડા પ્રધાનની પત્ની સોફી ટ્રુડો, કેનેડિયન એરફોર્સ કમાન્ડર એરિક જીન કેની અને અધિકારીઓ અને ટોચના મેનેજર સહિત 24 અન્ય લોકોને દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. તે જ સમયે શનિવારે રશિયાએ ફિનલેન્ડની ગેસ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ફિનલેન્ડે રૂબલમાં ચૂકવણી કરવાનો ઇનકાર કર્યો હતો, જે બાદ રશિયાએ કડક પગલું ભર્યું હતું.

international news joe biden united nations