ચીને સત્તાપલટાની અફવાનો અંત લાવવાની કોશિશ કરી?

26 September, 2022 09:15 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇનાએ જણાવ્યું કે જિનપિંગના માર્ગદર્શન હેઠળ કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇનાની મહાસભામાં ભાગ લેવા માટે પ્રતિનિધિઓ ‘ચૂંટાયા’ છે

ફાઇલ તસવીર

ચીનમાં સત્તાપલટો થયો હોવાની અફવાઓ ફેલાઈ છે ત્યારે ચીને ગઈ કાલે એનો પરોક્ષ રીતે અંત લાવવાની કોશિશ કરી હોય એમ જણાય છે. કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇનાની આવતા મહિને યોજાનારી મહત્ત્વની મહાસભાનું કાઉન્ટડાઉન શરૂ થયું છે ત્યારે ગઈ કાલે આ શાસક પાર્ટીએ જાહેર કર્યું હતું કે પાંચ વર્ષે એક વખત યોજાતી આ મીટિંગ માટે તમામ પ્રતિનિધિઓ ‘ચૂંટાઈ’ ગયા છે, જેમાં પ્રેસિડન્ટ શી જિનપિંગને રેકૉર્ડ ત્રીજી મુદ્દત માટે સ્વીકૃતિ મળી જશે એવી અપેક્ષા છે.

૧૬ ઑક્ટોબરે યોજાનારી કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇનાની ૨૦મી રાષ્ટ્રીય મહાસભામાં ભાગ લેવા માટે કુલ ૨૨૯૬ પ્રતિનિધિઓ ‘ચૂંટાયા’ છે.  પ્રેસિડન્ટ શી જિનપિંગને નજરકેદમાં રાખવામાં આવ્યા હોવાની અને સત્તાપલટાની અફવાઓ સોશ્યલ મીડિયા પર વ્યાપકપણે ફેલાઈ છે ત્યારે એને એક રીતે ફગાવતાં આ પાર્ટીએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે આ પ્રતિનિધિઓ શી જિનપિંગના માર્ગદર્શન હેઠળ ચૂંટાયા હતા. આ પાર્ટીની આ પહેલાંની જાહેરાત અનુસાર જિનપિંગ પોતે આ વર્ષે એપ્રિલમાં આ મહાસભાના સભ્ય તરીકે ‘ચૂંટાઈ આવ્યા’ હતા. આ શાસક પાર્ટીએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયાનો હેતુ પાર્ટીમાં આંતરિક લોકશાહીને સંપૂર્ણપણે આત્મસાત કરીને પાર્ટીના એકંદર નેતૃત્વને વધારે મજબૂત કરવાનો છે. નોંધપાત્ર છે કે આ અઠવાડિયામાં ત્રણ સુરક્ષા અધિકારીઓને ભ્રષ્ટાચારના કેસમાં મોતની આકરી સજા આપવામાં આવી હતી, જેનાથી સ્વાભાવિક રીતે સવાલ થઈ રહ્યો છે કે આ મહાસભા પહેલાં શા માટે આવી આકરી કાર્યવાહીનું પ્રમાણ ઓચિંતું વધી ગયું છે. જિનપિંગ તેમના વિરોધીઓને કચડી રહ્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ અફવાઓ અને અહેવાલોની વચ્ચે ચીનની મજબૂત દીવાલ ભેદીને સચ્ચાઈને બહાર લાવવી મુશ્કેલ જણાય છે.

international news china xi jinping