જ્યાં ભાગ્યે જ વરસાદ પડે છે એવું રિયાધ જળબંબાકાર

18 November, 2013 06:24 AM IST  | 

જ્યાં ભાગ્યે જ વરસાદ પડે છે એવું રિયાધ જળબંબાકાર



ભાગ્યે જ જ્યાં વરસાદ પડે છે એવા સાઉદી અરેબિયાના રિયાધ શહેર અને આસપાસના વિસ્તારોમાં શનિવારે જોરદાર વરસાદના કારણે એક મહિલા સહિત ત્રણ લોકોએ જાન ગુમાવ્યા હતા જ્યારે આખા શહેરમાં રસ્તા, સબવે અને અન્ડરપાસમાં પાણી ભરાઈ જતાં ગઈ કાલે રવિવારે સ્કૂલો અને કૉલેજો બંધ રાખવાની સત્તાવાળાઓને ફરજ પડી હતી. ગઈ કાલે લોકોને કામ વગર બહાર નહીં નીકળવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. આ ગલ્ફ દેશમાં શુક્રવારે રજા હોય છે.

સાઉદી અરેબિયાના હવામાન ખાતાએ બે દિવસ પહેલાં જ ભારે વરસાદની આગાહી કરી હતી અને શનિવારે સાંજે અપેક્ષા કરતાં પણ વધારે અને જોરથી વરસાદ પડતાં રિયાધ શહેર અને આસપાસના વિસ્તારો જળબંબાકાર થયા હતા. રસ્તાઓ અને સબવેમાં પાણી ભરાઈ જતાં લોકોની હાલત કફોડી બની હતી. પાણીમાં ફસાઈ ગયેલા આશરે ૯૮ લોકોને સિવિલ ડિફેન્સ અધિકારીઓએ બચાવી લીધા હતા.

વરસાદના પગલે ગઈ કાલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વાદળિયા વાતાવરણના કારણે ટેમ્પરેચર પણ ઘટીને ૧૯ ડિગ્રી સેલ્સિયસ થયું હતું, જે રણ વિસ્તારમાં ભાગ્ય જ જોવા મળે છે. ગઈ કાલે આખો દિવસ રસ્તાઓ પર ભરાઈ ગયેલા પાણીને કાઢવામાં મશીનો કામે લગાવી દેવામાં આવ્યાં હતાં.