પાકિસ્તાની લશ્કરના ચીફ રાહીલ શરીફનો પણ કાંકરીચાળો

19 October, 2014 05:07 AM IST  | 

પાકિસ્તાની લશ્કરના ચીફ રાહીલ શરીફનો પણ કાંકરીચાળો




રાજકીય નેતાઓ અને સરકાર પછી હવે પાકિસ્તાની લશ્કરના વડા જનરલ રાહીલ શરીફે કાશ્મીરનો મુદ્દો ઉખેળ્યો છે. શરીફે કહ્યું હતું કે કાશ્મીર મુદ્દાના સમાધાન વિના આ વિસ્તારમાં શાંતિ સ્થપાવાની શક્યતા નથી. UNના ઠરાવ અનુસાર કાશ્મીરમાં જનમત લેવાની વકીલાત પણ શરીફે કરી હતી.

કકૂલમાં પાકિસ્તાની મિલિટરી ઍકૅડેમીની પાસિંગ આઉટ પરેડને સંબોધન કરતાં શરીફે કહ્યું હતું કે ‘UNના ઠરાવ અનુસાર કાશ્મીરના લોકોને તેમના ભવિષ્યનો ફેંસલો કરવાની છૂટ આપવી જોઈએ. પાકિસ્તાન ઇચ્છે છે કે આ પ્રદેશમાં સ્થિરતા તથા શાંતિનું વાતાવરણ સર્જાય અને પારસ્પરિક સન્માન તથા બરોબરીનો સંબંધ જળવાયેલો રહે.’

પાકિસ્તાની સૈન્યની તાકાતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે ‘શાંતિની ઇચ્છા આપણા દેશની મોટામાં મોટી તાકાત છે અને અમે ઇચ્છીએ છીએ કે શાંતિ જળવાઈ રહે. પાકિસ્તાન પર કોઈ પણ પ્રકારનો બાહ્ય ખતરો સર્જાશે તો એને પહોંચી વળવા પાકિસ્તાની સૈન્ય એકદમ તૈયાર છે. કોઈ પણ આક્રમણનો જડબાતોડ જવાબ પાકિસ્તાન આપશે.’

અહીં એ નોંધવું જોઈએ કે પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉછાળવાના પ્રયાસ છેલ્લા કેટલાક દિવસથી કરી રહ્યું છે. પહેલાં પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે શ્ફ્ની જનરલ ઍસેમ્બ્લીમાં આ મુદ્દો ઉખેળ્યો હતો. એ પછી અંકુશરેખા પર તંગદિલી બાબતે તેમણે શ્ફ્માં પત્ર લખ્યો હતો. જનરલ પરવેઝ મુશર્રફ તો જાણે સમજ્યા, પણ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા આસિફ અલી ઝરદારી અને તેમના પુત્ર બિલાવલ જેવા વામણા નેતાઓ પણ કાશ્મીર વિશે મનફાવે એવાં નિવેદનો કરી રહ્યા છે.     

શ્રીનગરમાં ફરી ફરક્યો ISનો ઝંડો, પણ સરકાર કહે છે આ વાત ખોટી

ઇરાક અને સિરિયામાં આતંકવાદી કૃત્યો કરી રહેલા સંગઠન ISનો ઝંડો શ્રીનગરમાં શુક્રવારે ફરી એક વાર ફરકાવવામાં આવ્યો હતો. શ્રીનગરના જામિયા મસ્જિદ વિસ્તારમાં જુમાની નમાજ બાદ કેટલાક યુવકો વિરોધ-પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે એક યુવકે ISનો ઝંડો પોતાના હાથમાં લઈને ફરકાવ્યો હતો.  

કાશ્મીરમાં આવી ઘટના પહેલી વાર નથી બની. ગત છઠ્ઠી ઑક્ટોબરે બકરી ઈદના દિવસે પણ શ્રીનગરમાં ISની સાથે અલ-કાયદાનો ઝંડો પણ ફરકાવવામાં આવ્યો હતો. જોકે જમ્મુ-કાશ્મીર સરકારે રાજ્યમાં ISની ઉપસ્થિતિ હોવાનો ઇનકાર કર્યો હતો, પણ સલામતી એજન્સીઓએ આ બદલ ચિંતા વ્યક્ત કરીને ઝંડો ફરકાવનારા યુવાનો બાબતે તપાસ શરૂ કરી દીધી હતી.     

૨૪ કલાકમાં વધુ બે વખત ફાયરિંગ

પાકિસ્તાની લશ્કરે છેલ્લા ૨૪ કલાકમાં વધુ બે વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું અને પૂંછ તથા જમ્મુ જિલ્લામાંની અંકુશરેખા તેમ જ આંતરરાષ્ટ્રીય સરહદ પરની ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કર્યું હતું. ભારતીય સેનાએ પણ એેનો જવાબ આપ્યો હતો. શુક્રવારે રાત્રે પૂંછમાં બન્ને દેશના સૈનિકો વચ્ચે અડધો કલાક સુધી સામસામો ગોળીબાર ચાલ્યો હતો. જમ્મુ જિલ્લામાં મકવાલ અને અલ્લાહ માહી દે કોઠે વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા.