G20ની બેઠક અધવચ્ચે મૂકીને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન આજે રવાના થઈ જશે?

16 November, 2014 06:05 AM IST  | 

G20ની બેઠક અધવચ્ચે મૂકીને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન આજે રવાના થઈ જશે?


ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં યોજાઈ રહેલા G20 શિખર સંમેલનમાં રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિનને યુક્રેનમાં તેમણે ઊભા કરેલા રાજકીય સંકટને કારણે વેસ્ટર્ન દેશો તરફથી ફટકાર પડી રહી હોવાથી તેઓ આજે આ સંમેલન અધવચ્ચેથી છોડીને જતા રહે એવી શક્યતા છે. આજે તેઓ સત્તાવાર લંચ અને પ્રેસ-કૉન્ફરન્સને છોડીને સીધા જતા રહેશે એવી જાણકારી મળી રહી છે. ઑસ્ટ્રેલિયામાં પુતિનના વિરોધમાં પણ ઘણા લોકોએ દેખાવો કર્યા હતા.

બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કૅમેરન સાથેની તેમની ૫૦ મિનિટની બેઠક એકદમ તનાવપૂર્ણ રહી હતી. બ્રિટનના વડા પ્રધાને એવી ધમકી આપી હોવાનું માનવામાં આવે છે કે જો રશિયા એના પાડોશી દેશોને અસ્થિર બનાવવાનું નહીં છોડે તો એના પર વધારે આર્થિક પ્રતિબંધો લાદવામાં આવશે. આ અપમાનને કારણે પુતિન જતા રહેવા માગે છે.

અમેરિકાના પ્રેસિડન્ટ બરાક ઓબામાએ પણ બીજા દેશોની સાથે સૂર પુરાવતાં કહ્યું હતું કે યુક્રેનમાં રશિયાની હાજરી દુનિયા માટે ખતરા સમાન છે.

બીજી તરફ કૅનેડાના વડા પ્રધાન સ્ટીફન હાર્પરે પણ કહ્યું હતું કે ‘રશિયાએ યુક્રેનમાંથી બહાર નીકળી જવું જોઈએ. હું તમારી સાથે હાથ મિલાવીશ, પણ એ માટે તમારે યુક્રેનમાંથી નીકળવું પડશે.’

ઓબામાની અપીલ

બ્રિસ્બેનમાં G20 દેશોના શિખર સંમેલનને સંબોધતાં અમેરિકાના પ્રેસિડન્ટ બરાક ઓબામાએ કહ્યું હતું કે ‘એકલું અમેરિકા એની પીઠ પર દુનિયાની ઇકૉનૉમીનો ભાર સહન કરી શકે એમ નથી. વૈશ્વિક અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે બીજા દેશોએ પણ સાથે મળીને કામ કરવું પડશે. G20 દેશોના નેતાઓ તેમના દેશમાં વિકાસનો દર વધારવા મહેનત કરે અને વધારે રોજગાર પેદા કરે. અમેરિકાની ઇકૉનૉમી પાટે ચડી રહી છે, પણ યુરોપ, ચીન અને જપાનમાં આર્થિક સંકટ છે.’

મોદીએ કહી આર્કિટેક્ટની વાત

બ્રિસ્બેનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના પ્રેસિડન્ટ બરાક ઓબામા અને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન મળ્યા ત્યારે મોદીએ તેમને અમેરિકન આર્કિટેક્ટ વૉલ્ટર બર્લે ગ્રિફિનની વાત કરી હતી. આ આર્કિટેક્ટ અને તેમની પત્ની મૅરિયને ૨૮ વર્ષની તેમની કરીઅરમાં ૩૫૦થી વધારે બિલ્ડિંગો, લૅન્ડસ્કેપ અને શહેરી વિકાસ યોજનાઓ તૈયાર કરી હતી. તેમણે ઑસ્ટ્રેલિયાની રાજધાની કૅનબેરાની ડિઝાઇન તૈયાર કરી હતી અને ભારતમાં લખનઉની યુનિવર્સિટીનું નિર્માણ કર્યું હતું. તેઓ ભારતમાં હતા ત્યારે ૧૯૩૭માં તેમનું મૃત્યુ થયું હતું અને એમના અંતિમ સંસ્કાર લખનઉમાં થયા હતા.

ટોની ઍબટે ગળે મળીને મોદીનું સ્વાગત કર્યું

ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ટોની ઍબટે ગઈ કાલે G20 દેશોના શિખર સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ગળે મળીને સ્વાગત કર્યું હતું. ૨૮ વર્ષ પહેલાં રાજીવ ગાંધીએ ઑસ્ટ્રેલિયાની મુલાકાત લીધી હતી અને એ પછી ત્યાં જનારા મોદી પહેલા વડા પ્રધાન છે અને જ્યારે તેઓ આવ્યા ત્યારે ટોની ઍબટે તેમનું ગળે મળીને સ્વાગત કર્યું અને પછી કૅમેરામેનોને શેકહૅન્ડ કરીને પોઝ આપ્યો હતો.