24 October, 2026 12:27 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
અમેરિકાનાં ફર્સ્ટ લેડી મેલૅનિયા ટ્રમ્પ
યુનાઇટેડ સ્ટેટ્સના વાઇટ હાઉસે શુક્રવારે જાહેરાત કરી હતી કે ફર્સ્ટ લેડી મેલૅનિયા ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે દક્ષિણ યુક્રેનના ઓલેશ્કી શહેરમાં સ્થાનિક યુદ્ધવિરામ માટે સફળ મધ્યસ્થી કરી છે. આ યુદ્ધવિરામ ૨૯ ઑક્ટોબરે અમલમાં આવશે. આ ઐતિહાસિક સમજૂતીનો મુખ્ય હેતુ યુદ્ધગ્રસ્ત ઓલેશ્કી શહેરમાં ફસાયેલા નાગરિકોને તાત્કાલિક ધોરણે માનવીય સહાય પહોંચાડવાનો અને તેમને સુરક્ષિત માર્ગે બહાર કાઢવાનો છે.
મેલૅનિયા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે હાલમાં આ શહેરની સ્થિતિ અત્યંત ગંભીર છે અને ત્યાં ફસાયેલા વૃદ્ધ નાગરિકોને તબીબી સારવાર, દવાઓ, ખોરાક અને પીવાના શુદ્ધ પાણીની તાતી જરૂરિયાત છે અને તેમની સીધી દખલગીરી વિના આ વિસ્તારમાં માનવીય સહાય પહોંચાડવી લગભગ અશક્ય હતી.
મેલૅનિયા ટ્રમ્પ અને તેમના પ્રતિનિધિએ રશિયન અને યુક્રેનિયન નેતાઓ સાથે સીધી વાટાઘાટો કરીને આ યુદ્ધવિરામની શરતો નક્કી કરી હતી. યુનાઇટેડ નેશન્સ જનરલ ઍસેમ્બલી (UNGA)ના ૮૧મા સત્ર દરમ્યાન ન્યુ યૉર્કમાં આયોજિત એક કાર્યક્રમમાં મેલૅનિયાના ધ્યાન પર ઓલેશ્કીની આ ભયાનક સ્થિતિ આવી હતી. યુદ્ધ પહેલાં આ શહેરની વસ્તી આશરે ૨૪,૦૦૦ લોકોની હતી જેમાંથી હાલ માત્ર ૧૭૦૦થી ૨૦૦૦ લોકો જ બચ્યા છે. એમાં ૫૦ જેટલાં બાળકો પણ સામેલ છે. ૨૦૨૨થી અહીં કોઈ ઔપચારિક વસ્તીગણતરી થઈ નથી. યુદ્ધવિરામ દરમ્યાન અમેરિકન મીડિયાની એક નિષ્પક્ષ ટીમ બન્ને દેશોની ટુકડીઓ સાથે જમીની સ્તર પર હાજર રહીને સમગ્ર પ્રક્રિયાનું સઘન નિરીક્ષણ કરશે.