બરાક ઓબામા સતત બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા

07 November, 2012 04:39 AM IST  | 

બરાક ઓબામા સતત બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા


ભારતની ઘડિયાળોમાં ગઈ કાલે સવારે ૯.૪૫ વાગ્યા ત્યારે જ વિશ્વની સૌથી મોટી આર્થિક મહાસત્તાના પ્રમુખપદની ચૂંટણીનો ફેંસલો આવ્યો હતો. એ પછી જસ્ટ એક જ મિનિટમાં બરાક ઓબામાએ ચૂંટણી જીતી હોવાના સમાચાર દુનિયાભરમાં ફેલાઈ ગયા હતા. તમામ એક્ઝિટ પોલ ખોટા પાડીને બરાક ઓબામા ગઈ કાલે અમેરિકાના પ્રમુખપદે બીજી વખત ચૂંટાઈ આવ્યા હતા. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ઓબામાએ તેમના હરીફ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર મિટ રોમ્નીને હરાવ્યા હતા. કુલ ૫૩૮ ઇલેક્ટરલ વોટમાંથી ઓબામાને કુલ ૩૦૩ વોટ મળ્યાં હતા, જ્યારે રોમ્નીને ૨૦૬ વોટ મળ્યાં હતા. અમેરિકાના પ્રથમ બ્લૅક પ્રમુખ ઓબામા બીજા વિશ્વયુદ્ધ બાદ બીજી વખત પ્રમુખપદે ચૂંટાઈ આવનાર બીજા ડેમોક્રેટિક પ્રમુખ છે. અગાઉ બીજા વિશ્વયુદ્ધ બાદ બિલ ક્લિન્ટન એકમાત્ર એવા ડેમોક્રેટિક નેતા હતા, જે સળંગ બીજી વખત પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા હોય. દુનિયાભરના દેશોની નજર અમેરિકાની ચૂંટણીનાં પરિણામ પર હતી. પરિણામ આવ્યા બાદ ભારતના વડા પ્રધાન મનમોહન સિંહ સહિત દુનિયાભરના નેતાઓએ ઓબામાને અભિનંદન આપ્યાં હતાં. 

તમામ આગાહીઓ ખોટી ઠરી

મતદાન પહેલા એક તબક્કે બન્ને ઉમેદવારો વચ્ચે રસાકસીભરી સ્પર્ધા રહેશે અને ટાઇ પણ થઈ શકે છે એવી આગાહીઓ કરવામાં આવી હતી. જોકે આ તમામ આગાહીઓને ખોટી ઠેરવતા ઓબામા મોટી સરસાઈ સાથે જીત્યા હતા. પ્રમુખપદની ચૂંટણી જીતવા માટે ઓછામાં ઓછા ૨૭૦ ઇલેક્ટરલ વોટ જીતવા જરૂરી હતા. ઓબામાની જીતમાં ખાસ કરીને વર્જિનિયા, મિશિગન, વિસ્કોન્સિન, કોલોરાડો, આયોવા (જ્યાં તેમણે અત્યંત ભાવુક થઈને છેલ્લી સ્પીચ આપી હતી), ઓહાયો અને ન્યુ હૅમ્પશર રાજ્યો મહત્વનાં પુરવાર થયાં હતાં. સૌથી વધુ ૫૫ ઇલેક્ટરલ વોટ ધરાવતા કૅલિફૉર્નિયામાં મળેલી જીતે પણ ઓબામાને મોટો ફાયદો કરાવ્યો હતો. અમેરિકી અર્થતંત્રને ઓબામા ફરી ધબકતું કરી શકશે કે નહીં તેને લઈને શંકા વ્યક્ત કરવામાં આવતી હતી. જોકે ૧૮ મહિના લાંબા ચૂંટણી અભિયાનમાં પ્રભાવશાળી ભાષણો અને વાવાઝોડા સૅન્ડી વખતે ચૂંટણીપ્રચાર અટકાવીને રેસ્ક્યુ ઑપરેશનો ચાર્જ સંભાળી લેવા જેવી બાબતોને કારણે ફરી એક વાર ઓબામાતરફી જુવાળ પેદા થયો હતો.

આઠ રાજ્યો બન્યાં કિંગ મેકર

પ્રમુખપદની ચૂંટણી જીતવા માટે અમેરિકાનાં આઠ રાજ્યો જીતવા અત્યંત જરૂરી હોય છે. આ આઠે રાજયોમાં ઓબામા જીત્યા હતા. ઓહાયો, ફ્લોરિડા, વર્જિનિયાની ચૂંટણીમાં ઓબામા માત્ર એક-બે ટકા વોટથી જ જીત્યા હતા. જોકે આ રાજ્યોમાં ઓબામા માટે જીત સહેલી ન હતી. ૨૦૦૮ની ચૂંટણીની સરખામણીએ આ રાજ્યોમાં ઓબામાને ઓછા વોટ મળ્યાં હતા. આ ત્રણ રાજ્યોની સરખામણીએ કોલોરાડો, આયોવા, નેવાડા અને ન્યુ હૅમ્પશરમાં ઓબામા ઘણી સારી સરસાઈ મેળવી હતી. ઓબામાએ પોતાના રાજ્ય ઇલિનોઈ તો રોમ્નીએ પોતાના રાજ્ય મસાચસ્ટ્સમાં જીત મેળવી હતી. રિપબ્લિકન પાર્ટીના ઉપપ્રમુખ પદના ઉમેદવાર પૉલ રાયન પોતાના રાજ્ય વિસ્કોન્સિનમાં હારી ગયા હતા. આ ચૂંટણીમાં અમેરિકાનાં મધ્ય અને દક્ષિણનાં રાજ્યોમાં રિપબ્લિકન પાર્ટી જીતી છે જ્યારે પૂર્વ અને પશ્ચિમનાં રાજ્યોમાં ડેમોક્રેટિક પાર્ટીની જીત થઈ છે.

ઓબામા-રોમ્નીની ખેલદિલી

ચૂંટણીનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયા બાદ અમેરિકાની પરંપરા મુજબ બોસ્ટનમાં રોમ્નીએ હાર સ્વીકારી લીધી હતી. ૬૫ વર્ષના રોમ્નીએ ઓબામાને ફોન કરીને અભિનંદન આપ્યાં હતાં. પોતાના ટેકેદારોને આપેલા મેસેજમાં રોમ્નીએ કહ્યું હતું કે ‘અમેરિકા અત્યારે મોટા પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે હું પ્રાર્થના કરીશ કે દેશને નવી દિશા આપવામાં પ્રમુખ સફળ થશે.’

બાદમાં ઓબામાએ પણ જોરદાર ચૂંટણી અભિયાન બદલ રોમ્નીને અભિનંદન આપ્યાં હતાં. ઓબામાએ એમ પણ કહ્યું હતું કે ‘અમેરિકાને આગળ લઈ જવા માટે આપણે સાથે મળીને કામ કરતા રહીશું. આવનારા દિવસમાં હું બન્ને પાર્ટીઓઓના નેતાઓની સાથે મળીને દેશ સમક્ષના પડકારોનો સામનો કરીશ.’




ઓબામાએ કહ્યું, થૅન્ક યુ અમેરિકા

ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ ઓબામાએ સૌથી પહેલા ટ્વિટ કરીને પોતાના ટેકેદારોનો આભાર માન્યો હતો. ટૂંકા મેસેજમાં તેમણે કહ્યું હતું કે ‘આ માત્ર તમારા કારણે જ શક્ય બન્યું છે, થૅન્ક યુ.’ ચાર વર્ષ પહેલાં ૨૦૦૮ની ચૂંટણીમાં ઓબામાએ ‘ચેન્જ’ને નારો બનાવીને પ્રમુખપદની ચૂંટણી જીતી હતી. એ વખતે ઓબામાએ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર જ્હોન મેક્કેનને હાર આપી હતી. જ્વલંત જીત બાદ હવે ઓબામા સમક્ષ અમેરિકનોને આપેલાં વચનો પૂરાં કરવાનો અને અમેરિકન અર્થતંત્રને ફરી ધબકતું બનાવવાનો મોટો પડકાર છે.

એક જ દિવસમાં ૩.૨૦ કરોડ ટ્વીટનો રેકૉર્ડ

અમેરિકામાં ચૂંટણીના દિવસે રેકૉર્ડબ્રેક ૩.૨૦ કરોડ ટ્વીટ નોંધાઈ હતી, જેમાં મતદાન પૂરું થયા બાદ લોકોએ ૨.૩૦ કરોડ ટ્વીટ મોકલી હતી. અમેરિકામાં સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર દર મિનિટે ૩,૨૭,૪૫૨ ટ્વીટ પોસ્ટ થતી હતી. જેમાં ‘બરાક ઓબામા, ફૉર મોર યર્સ’ આ ટ્વીટ સૌથી વધારે પોસ્ટ થઈ હતી. વોટિંગના દિવસે બપોર સુધીમાં પ્રતિ મિનિટ ૧૩,૦૦૦ ટ્વીટ પોસ્ટ થતી હતી. સ્વાભાવિકપણે જ દરેક ટ્વીટ અમેરિકાની ચૂંટણી, ઓબામા અને રોમ્ની વિશે હતી.