ચીન સાથે યુદ્ધની તૈયારી? એશિયામાં સૈન્ય ખડકવા લાગ્યા અમેરિકા અને બ્રિટન

06 July, 2020 01:42 PM IST  |  Mumbai Desk | Agencies

ચીન સાથે યુદ્ધની તૈયારી? એશિયામાં સૈન્ય ખડકવા લાગ્યા અમેરિકા અને બ્રિટન

પ્રતીકાત્મક તસવીર

ભારત સહિત એશિયામાં પાડોશી દેશો સાથે ચીનની વધતી જતી દાદાગીરીને ધ્યાનમાં રાખતા અમેરિકાએ ડ્રેગન સાથે મુકાબલો ખેલી લેવા કમર કસી લીધી છે. અમેરિકા પોતાના હજારો સૈનિકો જપાનથી લઈ ઑસ્ટ્રેલિયા સુધી સમગ્ર એશિયામાં તહેનાત કરવા જઈ રહ્યું છે. ડોનલ્ડ ટ્રમ્પ પ્રશાસનનું માનવું છે કે ઈંડો-પેસિફિક વિસ્તારમાં શીતયુદ્ધ બાદ આ સૌથી મહત્ત્વપૂર્ણ ભૂરાજનૈતિક પડકાર છે. આ પડકાર બાદ અમેરિકી સેના પોતાના વૈશ્વિક દબદબાને ફરીથી સ્થાપિત કરશે. તો બીજી બાજુ બ્રિટન પણ પોતાના હજારો કમાન્ડો સ્વેજ નહેર પાસે તહેનાત કરી રહ્યું છે.
અમેરિકા જર્મનીમાં તહેનાત પોતાના હજારો સૈનિકોને એશિયામાં તહેનાત કરવા જઈ રહ્યું છે. આ સૈનિકો અમેરિકાના ગુઆમ, હવાઈ, અલાસ્કા, જપાન અને ઑસ્ટ્રેલિયા ખાતે આવેલા સૈન્ય મથકોમાં તહેનાત કરશે. જપાનના નિક્કેઈ એશિયન રિવ્યુના રિપોર્ટ પ્રમાણે અમેરિકાની પ્રાથમિકતા હવે બદલાઈ ગઈ છે. શીતયુદ્ધ દરમ્યાન અમેરિકાના રક્ષા નિષ્ણાતોનું માનવું હતું કે સોવિયેત સંઘ પર નિયંત્રણ રાખવા માટે યુરોપમાં મોટી સંખ્યામાં સૈન્ય રાખવું જરૂરી છે.

national news international news