જપાનમાં શક્તિશાળી વાવાઝોડાને કારણે હજારો લોકોનાં સ્થળાંતર

19 September, 2022 08:20 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

જપાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે જપાનના દક્ષિણમાં કગોશિમા શહેરમાં પહોંચ્યા બાદ વાવાઝોડું નાનમદોલ ઉત્તર તરફ આગળ વધી રહ્યું હતું

જપાનના કગોશિમા શહેરમાં ગઈ કાલે વાવાઝોડા નાનમદોલ ત્રાટકવાને કારણે પડી ગયેલી સાઇકલો

શક્તિશાળી વાવાઝોડું જપાનના દ​ક્ષિણના કાંઠે ગઈ કાલે પહોંચતાની સાથે જ આ વિસ્તારમાં પવનની સાથે ભારે વરસાદ પડ્યો હતો, જેને લીધે અંધારપટ સર્જાયો હતો અને મુશ્કેલ સ્થિતિ વચ્ચે હજારો લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.  

જપાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે જપાનના દક્ષિણમાં કગોશિમા શહેરમાં પહોંચ્યા બાદ વાવાઝોડું નાનમદોલ ઉત્તર તરફ આગળ વધી રહ્યું હતું. પવનની મૅક્સિમમ સ્પીડ ૧૬૨ કિલોમીટર પ્રતિ કલાક છે અને એ મંગળવારે ટોક્યો પહોંચશે એવી આગાહી છે.  

હવામાન વિભાગે આજે સાંજ સુધીમાં ૨૦ ઇંચ વરસાદની આગાહી કરી છે. જેના લીધે પૂર અને ભેખડો ધસી પડવાનું જોખમ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને અભૂતપૂર્વ સ્તરે ભારે પવન અને મોજાંની ચેતવણી આપવામાં આવી છે.

કગોશિમામાં ૧૨,૦૦૦થી વધારે લોકોનાં સ્થળાંતર થયાં છે, જ્યારે એની બાજુમાં મિયાઝાકીમાં લગભગ આઠ હજાર લોકોએ ઘર છોડવું પડ્યું હતું. સમગ્ર ક્યુશુ પ્રદેશમાં વીજકાપ છે, કેમ કે આ વાવાઝોડાને કારણે પાવર લાઇન્સ અને સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે. 

international news japan