05 May, 2025 07:01 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં નીલમ વૅલીના કેરન ગામમાં ટૂરિસ્ટ સીઝનમાં પણ ખાલી પડેલો રિસૉર્ટ
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત આ હુમલાનો બદલો લેશે એવી દહેશત વચ્ચે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK)માં અધિકારીઓએ બે મહિના માટે ખાદ્ય અને દવાનો પુરવઠો સ્ટૉક કરી રાખવાનો આદેશ આપ્યો છે. લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) પરના ૧૩ મતવિસ્તારોમાં પાકિસ્તાની સેનાએ સ્થાનિક ગ્રામજનોને શસ્ત્રોની તાલીમ આપવાનું શરૂ કરી દીધું છે. આ વિસ્તારની મદરેસાઓને ૧૦ દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. PoKના વડા પ્રધાન ચૌધરી અનવારુલ હકે કહ્યું હતું કે ખાદ્ય પદાર્થ, દવાઓ અને જીવનજરૂરી ચીજવસ્તુઓની આપૂર્તિ માટે એક અબજ રૂપિયાની ઇમર્જન્સી મદદ જાહેર કરવામાં આવી છે.
ગૂગલ પર શું શોધે છે પાકિસ્તાનીઓ?
પાકિસ્તાનમાં ડરનો માહોલ એવો છે કે ત્યાંના લોકો ગૂગલ પર ભારતની સૈન્યશક્તિ, રફાલ ફાઇટર જેટની મારકક્ષમતા, ભારતનાં યુદ્ધજહાજ અને યુદ્ધ થશે કે નહીં એ વિશે સર્ચ કરી રહ્યા છે.