જમ્મુ-કાશ્મીરના અલગપણાએ કાશ્મીરી યુવાનોને ગેરમાર્ગે દોર્યા : મોદી

25 August, 2019 10:33 AM IST  |  અબુ ધાબી

જમ્મુ-કાશ્મીરના અલગપણાએ કાશ્મીરી યુવાનોને ગેરમાર્ગે દોર્યા : મોદી

નરેન્દ્ર મોદી અને શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે જમ્મુ અને કાશ્મીરનું ‘અલગપણું’ દૂર કરવા માટે એનો વિશેષ દરજ્જો નાબૂદ કરવામાં આવ્યો હતો, જેને કારણે કેટલાક યુવાનો ‘ગેરમાર્ગે દોરાયા હતા, ઉદ્દામવાદી થઈ ગયા હતા તથા હિંસા અને આતંકવાદ તરફ દોરવાઈ ગયા હતા.

સરકારના પગલાનું સમર્થન કરતાં મોદીએ જણાવ્યું હતું કે એ ભારતનાં આંતરિક પગલાં હતાં, જે સંપૂર્ણપણે લોકશાહી, મુક્ત, પારદર્શી અને બંધારણીય માર્ગે લેવાયાં હતાં.

ત્રણ દેશોના પ્રવાસ દરમ્યાન યુએઈ પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગઈ કાલે યુએઈના સૌથી મોટા નાગરિક અવૉર્ડ ‘ઑર્ડર ઑફ ઝાયદ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવૉર્ડ તેમને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ ઑફ એમિરેટ્સ અને યુએઈ આર્મ્ડ ફોર્સના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો.

દરમ્યાન વડા પ્રધાને શુક્રવારે ‘ખલીજ ટાઇમ્સ’ને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ગણ્યાગાંઠ્યા લોકોનાં સ્થાપિત હિતોના રક્ષણ માટે જમ્મુ અને કાશ્મીરને અવિકસિત રાખનારી અલગતાને નાબૂદ કરવા માટે તેમની સરકારે કલમ-૩૭૦ને રદ કરી છે.

આ અલગપણાને કારણે કેટલોક યુવાવર્ગ ગેરમાર્ગે દોરવાયો હતો, ઉદ્દામ થઈ ગયો હતો અને હિંસા તથા આતંકવાદ તરફ દોરવાયો હતો એમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો : ભારત જ નહીં, આ દેશમાં પણ ટ્રાફિકમાં બગડે છે સેંકડો કલાકો

આ વલણ અમારા સંવાદિતાપૂર્ણ સમાજમાં પગ પ્રસરાવે એ અમને પરવડી શકે નહીં. વળી એ સમગ્ર દેશના વૃદ્ધિ અને વિકાસનાં પ્રાથમિક કાર્યોથી અમને વિચલિત કરતું હતું. યુએઈ અને એના નેતૃત્વએ અમારાં પગલાં તથા એ પગલાં ભરવા પાછળનાં કારણો પ્રત્યે જે સમજ દાખવી છે એને હું બિરદાવું છું એમ મોદીએ જણાવ્યું હતું. મોદીએ શનિવારે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે ચર્ચા કરી હતી.

abu dhabi narendra modi dubai