ન્યુ યૉર્ક બાદ સિડનીમાં પણ મોદી-મૅજિક

17 November, 2014 03:27 AM IST  | 

ન્યુ યૉર્ક બાદ સિડનીમાં પણ મોદી-મૅજિક





સપ્ટેમ્બર મહિનાના અંતમાં અમેરિકામાં ન્યૂ યૉર્ક અને વૉશિંગ્ટનમાં જે રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત થયું હતું એવી સ્થિતિ હાલમાં ઑસ્ટ્રેલિયામાં છે અને ગઈ કાલે બ્રિસ્બેન શહેરમાં એનો અનુભવ ઑસ્ટ્રેલિયનોને થયો હતો. આજે નરેન્દ્ર મોદી સિડનીના ઑલ્ફોન્સ એરિનામાં આવેલા ઑલિમ્પિક પાર્કમાં ઑસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય સમુદાયને સંબોધન કરશે અને એમાં ભાગ લેવા માટે ૧૬,૦૦૦ લોકો આવશે. આશરે ૫,૦૦૦ લોકો પાર્કની બહાર જાયન્ટ સ્ક્રીનો પર મોદીનું પ્રવચન લાઇવ સાંભળશે.

સિડની મોદીમય

ઑસ્ટ્રેલિયાના આ શહેરમાં વાતાવરણ મોદીમય બની ગયું છે. સ્થાનિક કૅનબરા ટાઇમ્સ ન્યુઝ પેપરમાં એવી હેડલાઇન પ્રકાશિત થઈ હતી કે ‘મોદીનો ફીવર સિડનીમાં છવાયો છે’.

 સિડનીના વડા પ્રધાનના કાર્યક્રમ વિશે માહિતી આપતાં વિદેશ ખાતાના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને કહ્યું હતું કે મોદી સિડનીમાં છ કલાક રહેવાના છે, પણ આ છ કલાકમાં તેઓ છવાઈ જશે. સિડનીમાં આજે જાણે ઇન્ડિયા-ડે હોય એવું વાતાવરણ છે. લોકો મોદીને સાંભળવા માટે આતુર છે અને લાંબો પ્રવાસ કરીને પણ સિડની પહોંચી રહ્યા છે.

મોદી એક્સપ્રેસનો જલવો

ગઈ કાલે મેલ્ર્બોન શહેર પાસેના સધર્ન ક્રૉસ રેલવે-સ્ટેશન પરથી ચાર ડબ્બાની વિશેષ મોદી એક્સપ્રેસ ટ્રેન સિડની જવા રવાના થઈ હતી, એમાં આશરે ૨૨૦ ભારતીય પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા છે. આજે સવારે આ ટ્રેન ૮૦૦ કિલોમીટરનો પ્રવાસ કરીને સિડની આવી પહોંચશે. આ ટ્રેનના પૅસેન્જરો નરેન્દ્ર મોદીને સાંભળવા માટે ઑલ્ફોન્સ એરિના પહોંચશે.

પહેલી વાર સ્પેશ્યલ ટ્રેન

ઑસ્ટ્રેલિયામાં કોઈ વડા પ્રધાનના નામે સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવી હોય એવી આ પહેલી ઘટના છે. આ ટ્રેનમાં ગુજરાતી, પંજાબી, મુસ્લિમ અને કાશ્મીરી સહિત ભારતના વિવિધ પ્રાંતના અને ઑસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયોનો સમાવેશ છે. આ ટ્રેન ગઈ કાલે રાત્રે આઠ વાગ્યે રવાના થઈ ત્યારે રેલવે-સ્ટેશન પર ભારતીય રેલવે-સ્ટેશન જેવો માહોલ બન્યો હતો. લોકો દેશભક્તિનાં ગીતો ગાતા હતા, હાથમાં તિરંગો લઈને ફરતા હતા અને ડાન્સ કરતા હતા. ટ્રેનના પ્રવાસીઓને રસ્તામાં ભારતીય શુદ્ધ વેજિટેરિયન ભોજન પીરસવામાં આવ્યું હતું અને એની વાનગીઓને મોદીનું નામ આપવામાં આવ્યું હતું.

બ્રિસ્બેનમાં લોકોને મળ્યા

નરેન્દ્ર મોદીના માનમાં બ્રિસ્બેનમાં આવેલા ટાઉન હૉલમાં સિવિક રિસેપ્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, એમાં અસંખ્ય ભારતીયોએ હિસ્સો લીધો હતો. આ કાર્યક્રમમાં મોદીએ અંગ્રેજીમાં જ પ્રવચન કર્યું હતું. તેમણે છેલ્લે એક લાઇન હિન્દીમાં કહી હતી કે ‘આગે કી બાત સિડની મેં...’ અને લોકોએ ઉત્સાહભેર જોર-જોરથી ‘મોદી મોદી’ બોલવા માંડ્યું હતું. લોકો એમની સાથે હાથ મિલાવવા માટે સીધા સ્ટેજ તરફ ગયા હતા અને મોદીએ પણ સિક્યૉરિટીની પરવા કર્યા વિના લોકો સાથે હાથ મિલાવ્યા હતા.

ભારતનો પ્રસ્તાવ સ્વીકારાયો

G20 શિખર સંમેલનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાળાનાણા માટે જે પ્રસ્તાવ મૂક્યો હતો એને સ્વીકારવામાં આવ્યો હતો. મોદીએ કહ્યું હતું કે કાળાનાણાને રોકવા માટે નવા ગ્લોબલ સ્ટાન્ડર્ડમાં ઑટોમૅટિક ટ્રાન્સફરમાં વિવિધ દેશોએ એકબીજાને સહકાર આપવો જરૂરી છે.

ભારે ધક્કામુક્કીમાં મોદી એક બાળકી માટે દોડી આવ્યા





બ્રિસ્બેનમાં રોમા સ્ટ્રીટ પાર્કલૅન્ડ્સમાં ગઈ કાલે નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીની બ્રૉન્ઝની પ્રતિમાનું અનાવરણ કરવા આવ્યા ત્યારે ત્યાં ભારે ભીડ થઈ હતી અને લોકો મોદીને મળવા માટે ઉતાવળા થયા હતા. આ સમયે એક મહિલા તેની નાની બાળકી સાથે ત્યાં પહોંચી હતી. જોકે ભીડ કાબૂ બહાર થતાં ભારે ધક્કામુક્કી જેવું વાતાવરણ થયું હતું અને એના લીધે આ બાળકી એકદમ ગભરાઈ ગઈ હતી અને રડવા લાગી હતી. આ વિશે નરેન્દ્ર મોદીનું ધ્યાન જતાં તેઓ તાત્કાલિક આ મહિલા પાસે દોડી આવ્યા હતા અને મહિલા તથા બાળકીને સાંત્વન આપ્યું હતું અને તેને કોઈ તકલીફ પડે નહીં એ માટે સિક્યૉરિટીને ધ્યાન રાખવા કહ્યું હતું.

પહેલાં પણ ગાંધીજીને માનતો હતો : નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. પ્રતિમાના અનાવરણ પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધતી વખતે પોતાના વિચારો રજૂ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ભારતમાં એવી ચર્ચા ચાલી રહી છે કે વડા પ્રધાન બન્યા પછી ગાંધીજી માટે મેં વધારે વાત કરવાનું શરૂ કરી દીધું છે, પણ એવું નથી. હું ગુજરાતનો મુખ્ય પ્રધાન બન્યો એ પહેલાંથી જ ગાંધીજીના વિચાર અને દર્શનમાં આસ્થા રાખું છું. મહાત્મા ગાંધીને પ્રકૃતિ પર પ્રેમ હતો અને તેઓ એના શોષણની વિરુદ્ધમાં હતા. આજીવન તેમણે આ વાત કરી હતી. જે સમયે તેઓ સાબરમતી આશ્રમમાં હતા એ વખતે પણ લોકોને પાણીનો દુરુપયોગ ન કરવાનું શીખવતા હતા. ગાંધીજીએ લોકોને અહિંસાનો માર્ગ બતાડ્યો અને તેઓ ફક્ત આપણાં કાયોર્ની સાથે-સાથે શબ્દોના પણ અહિંસક હોવાની આશા રાખતા હતા. જો દુનિયા આજે ગાંધીજીના બતાવેલા માર્ગ પર ચાલે તો ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે.’

કૉન્ગ્રેસનો હુમલો

નરેન્દ્ર મોદીના ગાંધીજી વિશેના વિચારો સાંભળ્યા બાદ કૉન્ગ્રેસે એમના પર હુમલો કરતાં કૉન્ગ્રેસના નેતા રશિદ અલ્વીએ કહ્યું હતું કે તેઓ ગાંધીને દિલથી માનતા હોત તો ૨૦૦૨માં ગુજરાતમાં કોમી રમખાણો થયાં નહોત. ગાંધીજીને માત્ર સફાઈ માટે નહીં પણ દિલમાં ઉતારવાની જરૂર છે.