આતંકવાદને ઉત્તેજન આપતા બધા દેશોને એકલા પાડી દો : મોદી

19 November, 2014 05:59 AM IST  | 

આતંકવાદને ઉત્તેજન આપતા બધા દેશોને એકલા પાડી દો : મોદી




આતંકવાદને સમગ્ર વિશ્વ માટે ભયાનક જોખમ ગણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જણાવ્યું હતું કે આ વૈશ્વિક સમસ્યાનો સામનો કરવા માટે વૈશ્વિક વ્યૂહરચના ઘડવી પડશે અને આતંકવાદને ઉત્તેજન આપતા દેશોને એકલા પાડી દેવા પડશે.

ઑસ્ટ્રેલિયાની સંસદને સંબોધન કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આતંકવાદ આપણા બધા માટે ભયાનક જોખમ બની ગયો છે. ભારત છેલ્લા ત્રણ દાયકાથી આતંકવાદનો સામનો કરી રહ્યું છે. આતંકવાદનું ચરિત્ર બદલાઈ રહ્યું છે અને એની પહોંચ વિસ્તરી રહી છે. આતંકવાદના સફાયા માટે વૈશ્વિક વ્યૂહરચના ઘડવી જરૂરી છે.’

આતંકવાદનો સફાયો

આતંકવાદના સફાયાનું સૂચન કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ધર્મ તથા આતંકવાદને જોડવાના બધા પ્રયાસો નિષ્ફળ બનાવવા જોઈએ અને જે દેશોમાં આતંકવાદનો પ્રભાવ સૌથી વધુ છે એ દેશોમાં આતંકવાદ સામે સામાજિક આંદોલન ચલાવવું જોઈએ.

નાના દેશોને સુવિધા

દક્ષિણ ચીન સાગર પર ચીનની દાવેદારીને લીધે સર્જાયેલા વિવાદનો ઉલ્લેખ સીધો કરવાનું ટાળતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે બધા નાના દેશોને આંતરરાષ્ટ્રીય કાયદાઓ અનુસાર નૌકાવહનની સુવિધા મળવી જોઈએ અને સાર્વભૌમ સન્માન માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ.

ભારત સાથે ભાગીદારી

ભારતના વિકાસમાં મોટા પાયે ભાગીદાર બનવાનું આમંત્રણ ઑસ્ટ્રેલિયાને આપતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયામાં કેટલાક લાખ લોકો વસે છે, જ્યારે ભારત સવાસો કરોડની વસ્તીવાળો અને વિકાસ ઝંખતો દેશ છે. આ વિકાસ પ્રત્યેક ભારતીયના જીવનસ્તરને બહેતર બનાવવા માટેનો છે. નવી આર્થિક તકોની ઑસ્ટ્રેલિયાની શોધનો જવાબ ભારતમાં મળશે.’

સ્ટૅન્ડિંગ ઓવેશન

ઑસ્ટ્રેલિયાની સંસદના સંયુક્ત સત્રને વડા પ્રધાને કરેલા સંબોધનને અંતે તમામ સંસદસભ્યોએ ઊભા થઈને નરેન્દ્ર મોદીનું તાળીઓના ગડગડાટ સાથે અભિવાદન કર્યું હતું.

પાંચ કરાર પર સહીસિક્કા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંબોધન પહેલાં ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ટોની ઍબટ સાથે દ્વિપક્ષી મંત્રણા યોજી હતી. એમાં બન્ને દેશોએ સામાજિક સલામતી, સજા પામેલા કેદીઓની ટ્રાન્સફર, માદક પદાર્થોના વ્યાપાર સામે લડત, પ્રવાસન અને કળા તથા સંસ્કૃતિ વિશેના પાંચ કરારો પર સહીસિક્કા કર્યા હતા.