ગાંધીજીની નિશ્રામાં મોદીએ યુક્રેન યુદ્ધ રોકવા શક્ય તમામ કોશિશનું વચન આપ્યું

21 May, 2023 08:59 AM IST  |  Hiroshima | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન જપાનના હિરોશિમામાં G7 સમિટ દરમ્યાન વોલોદિમીર ઝેલેન્સ્કીને મળ્યા : યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કીએ પીએમ મોદીને યુક્રેનની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું છે.

હિરોશિમામાં યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે જપાનના હિરોશિમામાં G7 સમિટ દરમ્યાન યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કીને મળ્યા હતા. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રશિયાએ યુક્રેન પર આક્રમણ શરૂ કર્યું ત્યારથી આ બન્ને લીડર્સ વચ્ચેની રૂબરૂમાં આ પહેલી મીટિંગ હતી.

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘યુક્રેન યુદ્ધ એ સમગ્ર દુનિયા માટે ખૂબ જ મોટો મુદ્દો છે. અનેક રીતે દુનિયા પર એની અસર થઈ છે, પરંતુ હું એને રાજકીય કે આર્થિક મુદ્દો ગણતો નથી. મારા માટે એ માનવતા અને માનવ-મૂલ્યોનો મુદ્દો છે. અમારા બધા કરતાં તમે યુદ્ધના વિનાશને સારી રીતે જાણો છો. ગયા વર્ષે અમારાં બાળકો યુક્રેનથી પાછા ફર્યાં હતાં અને ત્યાંના સંજોગોનું વર્ણન કર્યું હતું ત્યારે હું તમારા નાગરિકોની પીડા સારી રીતે સમજી શક્યો હતો. હું તમને ખાતરી આપું છું કે ભારત અને પર્સનલી હું આ સ્થિતિનો ઉકેલ લાવવા માટે ચોક્કસ શક્ય તમામ કોશિશ કરીશું.’

વડા પ્રધાનની ઑફિસમાંથી આ મીટિંગના ફોટોગ્રાફ્સ શૅર કરવામાં આવ્યા છે, જેમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલ પણ હાજર હતા.

હિરોશિમામાં ગઈ કાલે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ તેમને નમન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી

નોંધપાત્ર છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે હિરોશિમામાં અહિંસાના પ્રતીક સમાન મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું, જેના પછી વડા પ્રધાને રાષ્ટ્રપિતાને પુષ્પોથી અંજલિ આપી હતી. હિરોશિમામાં રિપોર્ટ્સ સાથેની વાતચીતમાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘G7 સમિટ માટે જપાનની મારી વિઝિટ દરમ્યાન મને મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવાની તક મળી. હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમા અહિંસાના વિચારને આગળ લઈ જશે. એ જાણવું મારા માટે ખૂબ જ મહત્ત્વની ક્ષણ રહી કે મેં જૅપનીઝ પીએમને ગિફ્ટ કરેલું બોધી વૃક્ષ હિરોશિમામાં અહીં પ્લાન્ટ કરવામાં આવ્યું છે, જેથી અહીં આવનારા લોકો શાંતિનું મહત્ત્વ સમજી શકે.’

નોંધપાત્ર છે કે વડા પ્રધાને જપાન, સાઉથ કોરિયા, જર્મની અને વિયેતનામ સહિત અનેક દેશોના વડાઓની સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી.

international news japan russia ukraine narendra modi