ફિલિપીન્સમાં વાવાઝોડાએ સરજ્યો વિનાશ : ૨૮૦નાં મોત

06 December, 2012 07:55 AM IST  | 

ફિલિપીન્સમાં વાવાઝોડાએ સરજ્યો વિનાશ : ૨૮૦નાં મોત



સ્ટૉર્મ-ઇફેક્ટ : દક્ષિણ ફિલિપીન્સની કોમ્પોસ્ટેલા વૅલીમાં મંગળવારે વાવાઝોડું ત્રાટક્યા બાદ મહામહેનતે સુરક્ષિત જગ્યાએ જઈ રહેલા લોકો. તસવીર : એએફપી



ફિલિપીન્સના દક્ષિણમાં આવેલા વિસ્તારોમાં ત્રાટકેલા ‘બોફા’ નામના શક્તિશાળી વાવાઝોડાને કારણે ૨૮૦ લોકોનાં મોત થયાં છે. ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાને કારણે ૭૮ જેટલાં ગામો સંપૂર્ણપણે સાફ થઈ ગયાં હતાં. વાવાઝોડા બાદ અનેક જગ્યાએ જમીન ધસી પડવાની ઘટનાઓ બની હતી. હજી પણ સેંકડો લોકો લાપતા હોવાથી મૃત્યુઆંક વધશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગઈ કાલે વાવાઝોડાની અસર ઓછી થયા બાદ અનેક પેરન્ટ્સે પોતાનાં ગુમ થયેલાં સંતાનોની શોધ આદરી હતી. સરકારના જણાવ્યા પ્રમાણે સૌથી અસરગ્રસ્ત કોમ્પોસ્ટેલા વૅલીમાં ૧૫૧ લોકોનાં મોત થયાં હતાં. તેજ ગતિએ ફૂંકાયેલા પવનને કારણે દરિયાકાંઠે આવેલા અનેક રિસોર્ટમાં ભારે નુકસાન પહોંચ્યું હતું.

વાવાઝોડાની સૌથી વધુ અસર દક્ષિણ ફિલિપીન્સમાં આવેલા મિનડેન્ગો પ્રાંતમાં થઈ છે. આ વિસ્તારમાં હજારોની સંખ્યામાં કેળાંનાં ખેતરો આવેલાં છે. વાવાઝોડાને કારણે મોટા ભાગનાં ખેતરોમાં ઊભા પાકનો સફાયો થયો હતો. ગઈ કાલે અનેક જગ્યાએ કેળનાં ઝાડો વચ્ચે લાશો ફસાયેલી મળી આવી હતી. વાવાઝોડા બાદ ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પૂર સંકટ સર્જાયું છે. પર્વતીય વિસ્તારોમાં જમીનો ધસી પડ્યા બાદ રહેણાક વિસ્તારોના રસ્તા કાદવથી ખરડાઈ ગયા છે. રાહત અને બચાવ કામગીરી સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે અસરગ્રસ્ત વિસ્તારોમાં અનેક જગ્યાએ કેળનાં પાનથી ઢંકાયેલા મૃતદેહોની હારમાળા જોવા મળી હતી.