ફાઇઝર 2 ડૉઝ વેક્સિન 95 ટકા સફળ, કોઇ ગંભીર આડ અસરો નહીં

18 November, 2020 09:16 PM IST  |  Mumbai | IANS

ફાઇઝર 2 ડૉઝ વેક્સિન 95 ટકા સફળ, કોઇ ગંભીર આડ અસરો નહીં

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાયરસના જીવલેણ રોગચાળાથી લોકોને બચાવવા માટે રસીનું સંશોધન કરી રહેલી ફાર્મા કંપની Pfizer Incને પ્રોત્સાહક પરિણામો મળ્યા છે. કંપનીનું કહેવું છે કે તે બનાવેલી રસી 95% જેટલી અસરકારક છે. કંપની FDA મંજૂરી માટે અરજી કરનાર યુએસએની પહેલી ફાર્મા કંપની હશે.
Pfizerની એમઆરએનએ આધારિત રસી BNT162b2ની ક્લિનિકલ ટ્રાયલના અંતિમ અવલોકનમાં આ સફળતાની જાણ થઇ છે. અમેરિકન કંપની અને જર્મન ભાગીદાર કંપની BioNTech SEએ જણાવ્યું છે કે તેમની રસીથી તમામ વયના લોકો અને સમુદાયોને સુરક્ષા મળી છે. તેની સલામતીને લઈને પણ કોઈ ગંભીર સમસ્યાઓ થઈ નથી. આ ઉપરાંત, ઇમર્જન્સી યુઝ પરમિટ (ઇયુએ) મેળવવા માટે યુએસ FDA (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન)ના ધોરણ પણ તેમણે પાર કર્યા છે. 

રસીની ટ્રાયલ 44 હજાર લોકો પર કરવામાં આવી હતી. ડેટામાં જાણવા મળ્યું છે કે 170 સ્વયંસેવકોને Covid -19નું સંક્રમણ હતું અને તેમાંથી 8ને રસી અપાઇ અને  162ને પ્લેસીબો આપવામાં આવી હતી. આ રસીથી રોગની ગંભીરતા ઓછી થઈ હતી જ્યારે પ્લેસિબો ગ્રુપના 10 માંથી 9 લોકોને ગંભીર રોગ હતો. ડેટા સૂચવે છે કે આ રસી 65 વર્ષની વયથી વધુ વય ધાવતાના લોકો પર 94 ટકા જેટલી અસરકારક સાબિત થઇ છે.

હાલના આકલનને આધારે કહી શકાય કે 2020માં આખા વિશ્વમાં વેક્સિનના 5 કરોડ ડૉઝ બની શકે છે અને આગલા વર્ષના અંત સુધી 1.3 અરબ ડૉઝ તૈયાર થઇ શકશે. ફાઇઝરના ચેરમેને અને સીઇઓ ડૉ. આલ્બર્ટ બૌરલાને મતે આઠ મહિનાની આકરી મહેનત પછી તેઓ આ ઐતિહાસિક પડાવે પહોંચ્યા છે અને અમે એકઠો કરેલો ડેટા અમે આખા વિશ્વના રેગ્યુલેટર્સ સાથે વહેંચી રહ્યા છીએ. એક્સપર્ટ્સના મતે જેમને વેક્સિન આપવામાં આવી તેમને કોઇ મોટી આડ અસરો ન થઇ અને વૉલેન્ટિયર્સમાં વધુ પડતા થાકની સમસ્યા બીજા ડૉઝ પછી જોવા મળી પણ 2 ટકાથી વધુ લોકોમાં બસ આ એક જ ગંભીર અસર દેખાઇ. મોટી વયના લોકોમાં સાઇડ ઇફેક્ટ્સ જોવા મળ્યા. વૉલેન્ટિયર્સે એમ પણ કહ્યું છે કે ડૉઝ લીધા બાદ તેમને હેંગ  ઓવર જેવું લાગતું અને ફ્લુનો ડૉઝ લીધા બાદ માથાનો દુખાવો, તાવ અને સ્નાયુમાં કળતર થતું હોય છે તેવું આ બીજા ડોઝ પછી થોડા વધારે પ્રમાણમાં હતું. આ વેક્સિન તૈયાર કરનારા ટીમ અનુસાર આ રસી રોગચાળાને નાબુદ કરવામાં મહત્વનો ભાગ ભજવશે. 

coronavirus covid19 world health organization new york world news