બ્રિટિશ પેરન્ટ્સે તેમના ત્રણ વર્ષના દીકરાને હંમેશાં રાખવો પડે છે કૂલ

03 August, 2012 05:43 AM IST  | 

બ્રિટિશ પેરન્ટ્સે તેમના ત્રણ વર્ષના દીકરાને હંમેશાં રાખવો પડે છે કૂલ

બ્રિટનમાં સામાન્ય તડકો હોય ત્યારે બાળકોને રમવાની મજા પડતી હોય છે, પણ કૉર્નવૉલ નામની કાઉન્ટીમાં રહેતા ત્રણ વર્ષના ફ્રેડ જેમ્સ માટે હૂંફાળો તડકો પણ પ્રાણઘાતક છે. આ હસમુખો છોકરો એક વિચિત્ર જિનેટિક કન્ડિશન ધરાવે છે જેને કારણે તેને પરસેવો વળતો જ નથી એટલે થોડી પણ ગરમી લાગવા માંડે તો તે ગંભીર માંદગીમાં સપડાઈ શકે છે, જે તેના મોતનું કારણ પણ બની શકે છે.

ફ્રેડની આ સ્થિતિને કારણે તેની મમ્મી સારા જોન્સ તથા પપ્પા જૉન જેમ્સને સતત અલર્ટ રહેવું પડે છે. ફ્રેડને હંમેશાં ઠંડક મળતી રહે એ માટે તેઓ ૨૪ કલાક ધ્યાન રાખતાં હોય છે. આ માટે તેની આસપાસ સતત પંખો ચાલુ રાખવો પડે છે તથા પાણીનું સ્પþ કરવાની સાથે બરફ મૂકતા રહેવું પડે છે. ત્રણ વર્ષના ફ્રેડના શરીરમાં પરસેવો પેદા કરવાનું કામ કરતી ગ્રંથિ જ નથી જેને કારણે તેને પરસેવો થતો નથી.

ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે ફ્રેડ એક્ટોડર્મલ ડિસપ્લેક્સિયા નામની જિનેટિક કન્ડિશન ધરાવે છે. તેના જન્મના થોડા સમય પછી જ આ નિદાન થયું હતું.

સારા અને જૉનને બીજો પણ એક દીકરો છે. જોકે તેને આવી કોઈ સમસ્યા નથી. જોકે ફ્રેડની આ સ્થિતિને કારણે તેની મમ્મી સારાએ સતત તેને ઠંડક આપતા રહેવું પડે છે. તેને હંમેશાં તડકાથી દૂર રાખવામાં આવે છે. ઘરની બહાર હોય ત્યારે તેઓ થોડા-થોડા સમયે તેનું ટી-શર્ટ ઠંડા પાણીમાં નિચોવતા રહે છે.

ખાસ કરીને ઉનાળા દરમ્યાન તેમનું ટેન્શન વધી જતું હોય છે. એટલું જ નહીં, તેમણે એ વાતનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે કે વધુપડતી ઠંડકને કારણે પણ ફ્રેડ માંદો પડી જાય નહીં. આ માટે તેઓ તેના શરીરનું ટેમ્પરેચર સતત ચેક કરતા રહે છે અને એને મેઇન્ટેઇન કરે છે. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે અત્યંત ઓછાં બાળકોમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે. એને કારણે પૂરા દાંત આવતા નથી અને વાળ પાતળા હોય છે. આ પ્રકારનાં બાળકોમાં શ્વાસોચ્છ્વાસની પણ તકલીફ હોય છે.