પાકિસ્તાનના પંજાબની વિધાનસભામાં શાહબાઝ શરીફ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ ચલાવવાની માગ કરતો ઠરાવ પસાર

21 September, 2022 09:19 AM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

પાકના નવા આર્મી ચીફ કોને બનાવવા એ મામલે વડા પ્રધાને ભાગેડુ નવાઝ પાસે સલાહ લેવા બદલ ઠરાવ

શાહબાઝ શરીફ

લાહોર (પી.ટી.આઇ.) : પાકિસ્તાનની પંજાબ વિધાનસભાએ વડા પ્રધાન શાહબાઝ શરીફ સામે નવા આર્મી ચીફની નિમણૂકને લઈને લંડનમાં ભાગેડુ જાહેર થયેલા તેમના મોટા ભાઈ નવાઝ શરીફની સલાહ લેવા બદલ રાજદ્રોહના આરોપ હેઠળ કેસ ચલાવવાની માગ કરવામાં આવી છે. પંજાબના પ્રધાને વિધાનસભામાં આ વિશેનો ઠરાવ રજૂ કર્યો હતો, જેમાં શાહબાઝ વિરુદ્ધ દેશદ્રોહના કાયદા હેઠળ કાર્યવાહીની માગ કરવામાં આવી હતી. આ ઠરાવને બહુમતીથી મંજૂર કરવામાં આવ્યો હતો. પંજાબમાં પદભ્રષ્ટ વડા પ્રધાન ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ) અને એના સાથી પક્ષ પીએમએલક્યુનું શાસન છે. 
ઠરાવમાં જણાવવામાં આવ્યું છે વડા પ્રધાને થોડા દિવસ પહેલાં પાકિસ્તાનના ત્રણ વખત વડા પ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફ સાથે નવા આર્મી ​ચીફની નિમણૂકને લઈને સલાહ લીધી હતી. આમ તેમણે ગુપ્તતાની શપથનો ભંગ કર્યો હતો. વળી જેને આ મામલે કંઈ લાગતું વળગતું નથી તેની સાથે ચર્ચા કરીને સેનાનું પણ અપમાન કર્યું છે. વડા પ્રધાન શાહબાઝ શરીફ રાણી એલિઝાબેથ ટૂનાં અંતિમ સંસ્કારમાં હાજરી આપવા લંડન ગયા હતા ત્યારે તેઓ નવાજ શરીફને મળ્યા હતા. 

world news pakistan