POKમાં બળવાખોરી પરથી ધ્યાન હટાવવા નવાઝ શરીફે રચ્યો અંકુશરેખા પર ગોળીબારનો ત્રાગડો

10 October, 2014 06:15 AM IST  | 

POKમાં બળવાખોરી પરથી ધ્યાન હટાવવા નવાઝ શરીફે રચ્યો અંકુશરેખા પર ગોળીબારનો ત્રાગડો



પાકિસ્તાનમાંની વિકટ રાજકીય પરિસ્થિતિ ઉપરાંત પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીર (POK)માં વેગ પકડી રહેલી સરકારવિરોધી બળવાખોરી પરથી લોકોનું ધ્યાન અન્યત્ર દોરવા માટે ઇસ્લામાબાદની નવાઝ શરીફ સરકાર અંકુશરેખા પારના ભારતીય વિસ્તારોમાં વસતા નાગરિકોને નિશાન બનાવી રહી હોવાનું રાજકીય વિશ્લેષકો તથા ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું.

POKમાં તાજેતરના પૂર પછી રાહત તથા બચાવની દિશામાં ઇસ્લામાબાદે લગભગ કંઈ જ કામ કર્યું નથી. એટલે સ્થાનિક લોકો ભારે રોષે ભરાયા છે અને એ રોષ બળવાખોરીના સ્વરૂપમાં પરિવર્તિત થઈ ગયો છે. POKના પાટનગર મુઝફ્ફરાબાદથી કોટલી અને નીલમ ઘાટી સુધીના વિસ્તારોમાં રહેતા લોકો પાકિસ્તાન સરકારના વિરોધમાં સડક પર ઊતરી આવ્યા છે.

ઉગ્ર વિરોધ-પ્રદર્શન અને જાહેર સભાઓમાં આ લોકો પાકિસ્તાનથી આઝાદીની માગણી કરી રહ્યા છે. ‘પાકિસ્તાન સે નિજાત પાકે રહેંગે’ એવાં સૂત્રો સમગ્ર POKમાં ગુંજી રહ્યાં છે. આ વિરોધ-પ્રદર્શનોનું ફૂટેજ ગુપ્તચર નેટવર્ક પાસે આવી ગયું છે અને વિદેશી તથા ભારતીય ટેલિવિઝન ચૅનલો પર એ જોવા પણ મળી રહ્યું છે.

આટલું ઓછું હોય એમ તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના વડા ઇમરાન ખાન અને મૌલાના કાદરીએ નવાઝ શરીફની ઊંઘ હરામ કરી નાખી છે. પાકિસ્તાની સૈન્યમાં પણ ભાગલા પડી ગયા છે અને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા તથા આતંકવાદીઓ પોતપોતાનું કદ વધારવાની વેતરણમાં પડ્યાં છે. પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું સતત ઉલ્લંઘન કાશ્મીર મુદ્દાના આંતરરાષ્ટ્રીયકરણ અને તેના ઉકેલ માટે ત્રીજા પક્ષને વચ્ચે ઘુસાડવાનું કાવતરું પણ હોઈ શકે છે.

સલામતી સમિતિ સાથે શરીફની બેઠક

દેશની સીમા પરની કટોકટીનો પૂરતો પ્રતિસાદ આપવામાં નિષ્ફળ રહેવા બદલ વિરોધ પક્ષની ટીકાનો ભોગ બનેલા પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ રાષ્ટ્રીય સલામતી સમિતિ સાથે આજે એક બેઠક યોજવાના છે. એમાં દેશની વર્તમાન પરિસ્થિતિ બાબતે સૈન્યની ત્રણેય પાંખના ટોચના અધિકારીઓ તથા રાજકીય નેતાઓ સાથે મસલત કરવામાં આવશે.