હાફિઝ સઈદના બે સાગરીતોને ૧૫ વર્ષની કેદની સજા ફટકારતી પાકિસ્તાનની કોર્ટ

14 January, 2021 04:27 PM IST  |  Lahore | Agencies

હાફિઝ સઈદના બે સાગરીતોને ૧૫ વર્ષની કેદની સજા ફટકારતી પાકિસ્તાનની કોર્ટ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પરના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ અને પ્રતિબંધિત જમાત-ઉદ દાવા (જેયુડી)ના વડા હાફિઝ સઈદના બે સાગરિતોને પાકિસ્તાનની ઍન્ટિ-ટેરરિઝમ કોર્ટે આતંકવાદી સંગઠનોને નાણાકીય ભંડોળ પૂરું પાડવાના કેસમાં ૧૫ વર્ષ કરતાં વધુ સમયની કેદની સજા ફટકારી છે. બેમાંથી એક આરોપી સંગઠનનો મીડિયા ફેસ યાહયા મુજાહિદ છે.
લાહોરની ઍન્ટિ-ટેરરિઝમ કોર્ટે સઈદના બનેવી અબ્દુલ રહેમાન મક્કીને પણ છ મહિનાની જેલની સજા સંભળાવી હતી.
જજ અર્શદ હુસ્સૈન ભુટ્ટાએ પંજાબ પોલીસના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં પ્રોફેસર અબ્દુલ રહેમાન મક્કીને છ મહિનાના જેલવાસ તથા યાહયા મુજાહિદ અને સફર ઇકબાલ, પ્રત્યેકને ૧૫ વર્ષના જેલવાસની સજા ફટકારી હતી, એમ અદાલતના એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.
આ અગાઉ અદાલતે આતંકવાદી પ્રવૃત્તિ માટે ભંડોળ આપવાના કેસમાં મુજાહિદને ૪૭ વર્ષની જેલની સજા સંભળાવી હતી.એ જ રીતે ઇકબાલને પણ આવા ત્રણ કેસમાં ૨૬ વર્ષના જેલવાસમાં મોકલી દેવાયો હતો. મુજાહિદ અને ઇકબાલ બન્નેને લગભગ ૧૫ વર્ષ સુધી જેલમાં રખાશે.

lahore pakistan international news