પેશાવર હુમલાના માસ્ટરમાઇન્ડ મુલ્લા ફઝલુલ્લાહનું હવાઈ હુમલામાં મોત?

21 December, 2014 04:13 AM IST  | 

પેશાવર હુમલાના માસ્ટરમાઇન્ડ મુલ્લા ફઝલુલ્લાહનું હવાઈ હુમલામાં મોત?




પેશાવરની આર્મી પબ્લિક સ્કૂલ પરના હિચકારા હુમલાનો માસ્ટરમાઇન્ડ અને તહરિક-એ-તાલિબાન પક્ષનો વડો પાકિસ્તાની લશ્કરી દળોએ કરેલા હવાઈ હુમલામાં મૃત્યુ પામ્યો હોવાના સમાચાર પાકિસ્તાની મીડિયામાં જોરશોરથી પ્રસારિત કરવામાં આવ્યા હતા. જોકે આ સમાચારને હજી સુધી સત્તાવાર સમર્થન નથી મળ્યું.

‘ધ નેશન’ નામના એક દૈનિકમાં પ્રકાશિત અહેવાલ અનુસાર પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના સત્તાવાર ફેસબુક પેજ પર મુલ્લા ફઝલુલ્લાહના મોતના સમાચારની પોસ્ટ મૂકવામાં આવી છે. મુલ્લા ફઝલુલ્લાહને પાકિસ્તાની હવાઈ દળે અફઘાનિસ્તાનમાં મારી નાખ્યો હોવાનું પણ એમાં જણાવવામાં આવ્યું છે. આ કામગીરીમાં અફઘાનિસ્તાનના લશ્કરની મદદ પણ લેવામાં આવી હતી.

બીજી તરફ તાલિબાને પાકિસ્તાન સરકારને એક પત્ર મોકલીને વડા પ્રધાન નવાઝ શરીફ તથા દેશના મોખરાના અનેક નેતાઓ તથા તેમના પરિવારજનો પર હુમલા કરવાની ધમકી આપી છે.

તાલિબાને એ પત્રમાં એમ પણ જણાવ્યું છે કે નવાઝ શરીફ જેલમાં પુરાયેલા આતંકવાદીઓને ફાંસી આપવાનો ફેંસલો રદ નહીં કરે તો નવાઝ શરીફના પરિવાર ઉપરાંત મોખરાના અન્ય નેતાઓ અને લશ્કરના અધિકારીઓને પણ નિશાન બનાવવામાં આવશે.

પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા અનુસાર ધમકીનો આ પત્ર શુક્રવારે મળ્યો હતો અને એ મુલ્લા ફઝલુલ્લાહના ટૉપ કમાન્ડર ગણાતા મોહમ્મદ ખરાસાનીએ લખાવ્યો હોવાનું માનવામાં આવે છે. હાલ આ પત્રની ખરાઈ કરવામાં આવી રહી છે.