પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટનો આદેશ:તોડેલું મંદિર બે સપ્તાહમાં બનાવે સરકાર

06 January, 2021 03:16 PM IST  |  Islamabad | Gujarati Mid-day Online Correspondent

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટનો આદેશ:તોડેલું મંદિર બે સપ્તાહમાં બનાવે સરકાર

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાનમાં હિન્દુ મંદિરની તોડફોડ અને આગ લગાવવાની ઘટના સામે કડક વલણ અખત્યાર કરતાં ત્યાંની સુપ્રીમ કોર્ટે મંગળવારે બે અઠવાડિયાંમાં મંદિર ફરી બનાવવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમે ખૈબર-પખ્તુનખ્વાની પ્રાદેશિક સરકારને કર જિલ્લાના ટેરી ગામમાં શ્રી પરમહંસજી મહારાજની સમાધિ સાથે કૃષ્ણ દ્વાર મંદિરનું નિર્માણ કરવા જણાવ્યું છે. ૩૦ ડિસેમ્બરે મોટી સંખ્યામાં લોકોએ હિન્દુ મંદિર તોડી પાડીને આગ લગાવી હતી.

પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ગુલઝાર અહેમદે ખૈબર-પખ્તુનખ્વાની સરકારને તાત્કાલિક કામ શરૂ કરવાની અને બે સપ્તાહમાં કામની પ્રગતિનો અહેવાલ સોંપવાની તાકીદ કરી હતી.

ચીફ જસ્ટિસે કહ્યું કે જે લોકોએ મંદિરની તોડફોડ કરી છે, તેમણે મંદિરના નિર્માણમાં નુકસાની ચૂકવવી જોઈએ.

સાથે જ અદાલતે પાકિસ્તાનમાં મંદિરોની સંખ્યા અને જમીન પર કબજો જમાવનારા વિરુદ્ધ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો અહેવાલ માગ્યો છે.

આ મામલામાં અત્યાર સુધીમાં ૧૦૦ કરતાં વધુ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. મંદિરમાં એક હિન્દુ ધાર્મિક સંતની સમાધિ હતી. મંદિરની દાયકાઓ જૂની ઇમારતના જીર્ણોદ્ધાર માટે હિન્દુ સમુદાયે સ્થાનિક અધિકારીઓ પાસેથી મંજૂરી લીધી હતી, પરંતુ કેટલાક સ્થાનિક મૌલવીઓની આગેવાનીમાં કેટલાક લોકોએ ગયા બુધવારે મંદિરના જીર્ણોદ્ધારના કાર્યના વિરોધમાં તોડફોડ કરી હતી અને આગ લગાવી દીધી હતી. આ ઘટના અંગે નોંધાવાયેલા એફઆઇઆરમાં ૩૫૦ કરતાં વધુ આરોપીઓનાં નામ નોંધાવાયાં છે.

international news pakistan