10 May, 2025 08:57 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઍક્સ પરની પોસ્ટને ટ્રોલ કરી અને પ્રખ્યાત હિન્દી કૉમેડી ફિલ્મ ‘ગોલમાલ’માંથી એક મીમ શૅર કર્યું
ગુરુવારે રાતે પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ કરવામાં આવેલી ભારે લશ્કરી કાર્યવાહીનો ભારતીય સેનાએ ચોકસાઈપૂર્વક વળતો જવાબ આપ્યો એના પગલે ઇસ્લામાબાદે શુક્રવારે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે પોતાના દુશ્મન દ્વારા થયેલા ભારે નુકસાનનો ઉલ્લેખ કરીને ઇન્ટરનૅશનલ પાર્ટનર્સ પાસેથી વધુ લોન માગી હતી. આ જોઈને ભારતે ખિલ્લી ઉડાવતાં કહ્યું, ‘યે કોઈ તરીકા હૈ ભીખ માંગને કા?’
જોકે પછી પાકિસ્તાને જણાવ્યું હતું કે અમારું ઍક્સનું સોશ્યલ મીડિયા અકાઉન્ટ હૅક થયું હતું.
ગઈ કાલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પરની પોસ્ટમાં પાકિસ્તાનના આર્થિક બાબતોના વિભાગના નામે લખવામાં આવ્યું હતું કે દુશ્મન દ્વારા ભારે નુકસાન થયા બાદ પાકિસ્તાન સરકાર આંતરરાષ્ટ્રીય પાર્ટનર્સ સમક્ષ વધુ લોન માટે અપીલ કરે છે. એક તરફ યુદ્ધ આગળ વધી રહ્યું છે અને સ્ટૉક માર્કેટ ક્રૅશ થયું છે ત્યારે અમે આંતરરાષ્ટ્રીય પાર્ટનર્સને તનાવ ઓછો કરવામાં મદદ કરવા વિનંતી કરીએ છીએ. રાષ્ટ્રને અડગ રહેવા વિનંતી કરવામાં આવે છે.
આમાં વર્લ્ડ બૅન્કને ટૅગ કરવામાં આવી હતી.
જોકે દુનિયાભરમાં કટોરો લઈને ફરી રહેલા પાકિસ્તાનની નાલેશી અને થૂ-થૂ થતાં એણે દાવો કર્યો કે તેમનું ઍક્સ હૅન્ડલ હૅક થઈ ગયું છે. એક ન્યુઝ-એજન્સીએ અહેવાલમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનના આર્થિક બાબતોના મંત્રાલયે કહ્યું છે કે તેમણે ઍક્સ પર કોઈ પોસ્ટ ટ્વીટ કરી નથી.
ભારત સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ પાકિસ્તાની સરકારની ઍક્સ પરની પોસ્ટને ટ્રોલ કરી અને પ્રખ્યાત હિન્દી કૉમેડી ફિલ્મ ‘ગોલમાલ’માંથી એક મીમ શૅર કર્યું હતું અને લખ્યું હતું કે યે કોઈ તરીકા હૈ ભીખ માંગને કા? (શું આ ભીખ માગવાની રીત છે?).