પાકિસ્તાને નાટોના અટૅકનો વિડિયો રિલીઝ કર્યો

01 December, 2011 08:36 AM IST  | 

પાકિસ્તાને નાટોના અટૅકનો વિડિયો રિલીઝ કર્યો

 

આ હુમલામાં પાકિસ્તાનના ૨૪ સૈનિકોનાં મોત થયાં હતાં તથા ૧૩ ઈજાગ્રસ્ત થયા હતા. પાકિસ્તાનનાં વિદેશપ્રધાન હિના રબ્બાની ખારે સોમવારે કહ્યું હતું કે નાટોએ કરેલો અટૅક એ કોઈ અકસ્માત નથી અને આ નાટો સંગઠને માગેલી માફી પણ પર્યાપ્ત નથી. નાટો એ નૉર્થ ઍટલાન્ટિક અલાયન્સમાં જોડાયેલાં રાષ્ટ્રોના સૈનિકોનું સંગઠન છે, જે આંતરરાષ્ટ્રીય સૈન્ય તરીકે પણ ઓળખાય છે.

અમેરિકાએ ૨૦૦૧માં અફઘાનિસ્તાન પર હુમલો કર્યા બાદ એને ફરીથી પગભર કરવા માટે જર્મનીના બોન શહેરમાં ૮૫ રાષ્ટ્રો સાથે કરાર કર્યા હતા. આ કરાર અંતર્ગત મળતી મીટિંગને બોન કૉન્ફરન્સ કહે છે. નાટો પર થયેલા હુમલાનો વિરોધ કરવા માટે પાકિસ્તાને ડિસેમ્બર મહિનામાં યોજાનારી બોન કૉન્ફરન્સનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. જર્મની, અમેરિકા અને અફઘાનિસ્તાને વિનંતી કર્યા છતાં પાકિસ્તાને બોન કૉન્ફરન્સમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો છે.

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સીમા પર ગઈ કાલે નાટો સંગઠન તથા પાકિસ્તાન વચ્ચે સીમા પાર ગોળીબાર શરૂ થયો હતો. જોકે થોડી જ વારમાં એને અટકાવી દેવામાં આવ્યો હતો અને નાટોએ પાકિસ્તાન પર ગયા રવિવારે કરેલા હુમલા જેવો બીજો બનાવ ટળ્યો હતો.