Pakistan Plane Crash: વડા પ્રધાન ઇમરાન ખાને તપાસનો આદેશ આપ્યો

23 May, 2020 01:58 PM IST  |  Karachi | Gujarati Mid-day Correspondent

Pakistan Plane Crash: વડા પ્રધાન ઇમરાન ખાને તપાસનો આદેશ આપ્યો

તસવીરો: એ.એફ.પી.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કરાચીમાં વિમાન દુર્ઘટના અંગે આઘાત વ્યક્ત કરતાં આ દુર્ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરવાની ખાતરી આપી હતી. તેમણે ટ્વીટ કરતાં કહ્યું હતું કે પીઆઇએ દુર્ઘટનાથી આઘાત અને દુઃખની લાગણી અનુભવું છું. ઘટનાસ્થળે બચાવ અને રાહતકાર્ય માટે કરાચી જવા રવાના થયેલા પીઆઇએના સીઈઓ અર્શદ મલિકના સંપર્કમાં છું, દુર્ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવશે. મરનારના પરિવારજનો પ્રત્યે શોક વ્યક્ત કરું છું તથા તેમના માટે પ્રાર્થના કરું છું.

કરાચીમાં જિન્નાહ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પાસેના ગીચ રહેણાક વિસ્તારમાં ગઈ કાલે સાંજે વિમાન તૂટી પડેલું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુર્ઘટના અંગે ખેદની લાગણી વ્યક્ત કરી હતી.

કોવિડ-૧૯ના પ્રસાર બાદ મર્યાદિત પ્રમાણમાં વ્યાપારી ફ્લાઇટ્સ શરૂ થયાના લગભગ એકાદ અઠવાડિયામાં જ પાકિસ્તાન ઇન્ટરનૅશનલ ઍરલાઇન્સનું ૧૦૭ પ્રવાસી સાથેનું પ્લેન કરાચીમાં જિન્નાહ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પાસેના ગીચ રહેણાક વિસ્તારમાં ગઈ કાલે સાંજે તૂટી પડતાં અનેક લોકો માર્યા ગયા હોવાની આશંકા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. જોકે આ ક્રૅશમાંથી ત્રણ લોકોનો ચમત્કારી ઉગારો થયો હતો. લાહોરથી આવેલી આ ફ્લાઈટને પહેલી વાર લૅન્ડ કરવાનો પ્રયાસ કરવામાં નિષ્ફળ ગયા પછી પાઇલટ ફ્લાય બાય કરીને વિમાન પાછું લાવી રહ્યો હતો ત્યારે તેણે પહેલા સંદેશમાં કહ્યું હતું કે, અમારા એન્જિન કામ કરતાં બંધ થઈ ગયા છે. એ પછી થોડી સેકન્ડો રહીને પાઇલટનો કટોકટીનો મેસેજ આવ્યો હતો. આના બાદ વિમાન રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. લાહોરથી રવાના થયેલી પીકે-૮૩૦૩ ફ્લાઇટ કરાચીમાં ઉતરાણ કરવાની તૈયારીમાં હતી ત્યારે એ માલિરમાં આવેલી મૉડલ કૉલોની પાસેના જિન્ના ગાર્ડન વિસ્તારમાં ઉતરાણની એક મિનિટ પહેલાં જ ક્રૅશ થઈ હતી. સ્ટેટ કૅરિયરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ૯૯ મુસાફરો અને ૮ ક્રૂ સભ્યો સાથેની પીઆઇએ ઍરબસ ૩૨૦ વિમાનમથકની નજીક આવેલી જિન્ના હાઉસિંગ સોસાયટીમાં ક્રૅશ થઈ હતી. પચીસથી ત્રીસ જેટલા રહેવાસીઓ ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને હૉસ્પિટલમાં લઈ જવાયા હતા.

આક્રંદ કરી રહેલા સ્વજનો

રડારમાંથી ગાયબ થતાં પહેલાં કપ્તાને હવાઈ ટ્રાફિક ટાવરને એને લૅન્ડિંગ ગિયરમાં સમસ્યા વિશે જાણ કરી હતી. સમગ્ર વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટેગોટે જોવા મળ્યા હતા, પરિણામે બચાવ કાર્યમાં મુશ્કેલી જોવા મળી હતી. આ વિમાન બોઇંગ પ્રકારનું અને ૧૦ વર્ષ જૂનું હોવાનું બહાર આવ્યું છે. લૅન્ડિંગ વખતે વિમાનના પૈડા નહીં ખૂલતા કન્ટ્રોલ રૂમ દ્વારા વિમાનને ઊંચે લઇ જઇને આકાશમાં ચક્કર લગાવવા કહ્યું હતું.

international news pakistan imran khan