પાકિસ્તાનના ન્યુઝપેપરે ભારત અને મોદીની ભરપૂર પ્રશંસા કરી

16 January, 2023 11:34 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’ની એક કૉલમમાં લખવામાં આવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું કદ વધી રહ્યું છે

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

ઇસ્લામાબાદ : વૈશ્વિક સ્તરે ભારતના વધતા દબદબાની પહેલી વખત પાકિસ્તાનના કોઈ ન્યુઝપેપરે પ્રશંસા કરી છે. ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’એ લખ્યું છે કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું કદ વધી રહ્યું છે. એટલું જ નહીં, મોદી ભારતને એ સ્તરે લઈ ગયા છે કે વિશ્વની અનેક સમસ્યાનો ઉકેલ લાવવા માટે ભારતના પ્રભાવનો ઉપયોગ કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.’ 

પાકિસ્તાનના આ અગ્રણી અખબારની એક કૉલમમાં વધુ જણાવવામાં આવ્યું છે કે પીએમ મોદી અને ભારતની વિ​દેશનીતિ કુશળતાથી કામ કરે છે અને ભારતની જીડીપી ત્રણ ટ્રિલ્યન ડૉલર (૨૪૩ ટ્રિલ્યન રૂપિયા) થઈ ગઈ છે, જેને અભૂતપૂર્વ પ્રોગ્રેસ ગણાવીને જાણીતા પૉલિટિકલ, સિક્યૉરિટી અને ડિફેન્સ ઍનલિસ્ટ શાહજાદ ચૌધરીએ લખ્યું હતું કે ભારત તમામ રોકાણકારો માટે પસંદગીનું સ્થળ છે. 

આ પણ વાંચો : વિકસિત ભારતના નિર્માણ માટે મજબૂત કનેક્ટિવિટી ખૂબ જરૂરી છેઃ પીએમ મોદી

તેમણે લખ્યું હતું કે ‘ભારત કૃષિ ઉત્પાદનો અને આઇટી સર્વિસમાં અગ્રેસર છે. ભારતમાં કૃષિમાં પ્રતિ એકર ઊપજ એ દુનિયામાં સૌથી બેસ્ટ છે. ૧.૪ અબજથી વધુની વસ્તી હોવા છતાં પણ આ દેશ પ્રમાણમાં સ્થિર અને સશક્ત છે.’ 

પીએમની પ્રશંસામાં તેમણે લખ્યું હતું કે ‘મોદીએ બ્રૅન્ડ ઇન્ડિયાને એટલી મજબૂત બનાવી છે કે જે આ પહેલાં કોઈ કરી શક્યું નથી. સૌથી મહત્ત્વની બાબત એ છે કે ભારત પોતાને જે યોગ્ય લાગે એ કરે છે, ખાસ કરીને પોતાની જરૂરિયાતો માટે.’

આ પહેલાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને ભારતની વિદેશનીતિની ખૂબ પ્રશંસા કરીને ભારતને મુક્ત અને સ્વતંત્ર દેશ ગણાવ્યો હતો. અમેરિકા અને યુરોપીયન દેશોએ ​રશિયા પાસેથી ઑઇલની ખરીદી પર પ્રતિબંધો મૂક્યા હોવા છતાં ભારતે રશિયન ઑઇલ ખરીદવાની હિંમત બતાવી એ બદલ ઇમરાને ભારત સરકારની પ્રશંસા કરી હતી.

international news pakistan narendra modi india islamabad