દિલીપકુમાર અને રાજ કપૂરના પૂર્વજોની હવેલી પાકિસ્તાન ખરીદશે

28 September, 2020 02:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિલીપકુમાર અને રાજ કપૂરના પૂર્વજોની હવેલી પાકિસ્તાન ખરીદશે

ફાઈલ તસવીર

ભારતીય સિનેમાના બે મહાનાયક રાજ કપૂર અને દિલીપકુમારના પૂર્વજોના મકાનો ખરીદવાનો નિર્ણય પાકિસ્તાનની ખૈબર-પખ્તુનખ્વાની પ્રાંતીય સરકારે લીધો છે. ઐતિહાસિક ઇમારતોના જતનને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સરકારે આ નિર્ણય લીધો છે. રાજ કપૂરનું ઘર, કપૂર હવેલી અને દિલીપકુમારનું ઘર પેશાવર શહેરમાં છે.

દિલીપકુમાર અને રાજ કપૂરના મકાનો હાલ જર્જરિત હાલતમાં છે. ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતના પુરાતત્ત્વીય વિભાગે રાષ્ટ્રીય ધરોહર તરીકે જાહેર કરાયેલી આ બંને ઇમારતો ખરીદવાનો નિર્ણય લીધો છે.

પુરાતત્ત્વ વિભાગના વડા ડો.અબ્દુસ સમાદ ખાને કહ્યું કે બંને ઐતિહાસિક ઇમારતોની કિંમત નક્કી કરવા માટે પેશાવરના ડેપ્યુટી કમિશનરને સત્તાવાર પત્ર મોકલવામાં આવ્યો છે, જ્યાં ભાગલા પહેલા ભારતીય સિનેમાના બે મહાનાયક બાળપણમાં જન્મેલા અને ઉછરેલા હતા.

રાજ કપૂરના પૂર્વજોનું ઘર કપૂર હવેલી તરીકે ઓળખાય છે. આ હવેલી કિસ્સા ખવાની બજારમાં આવેલી છે. તેને રાજ કપૂરના દાદા દિવાન બશેશ્વરનાથ કપૂરે 1918 અને 1922ની વચ્ચે બનાવ્યો હતો. રાજ કપૂર અને તેના કાકા ત્રિલોકનો જન્મ આ ઘરમાં થયો હતો. અભિનેતા દિલીપ કુમારનું 100 વર્ષ જૂનું પૂર્વજોનું ઘર પણ આ ક્ષેત્રમાં હાજર છે. આ મકાન જર્જરિત હાલતમાં છે અને વર્ષ 2014 માં નવાઝ શરીફ સરકારે તેને રાષ્ટ્રીય વારસો જાહેર કર્યો હતો.

ખાને કહ્યું કે, આ બંને ઐતિહાસિક ઇમારતોના માલિકોએ કમર્શિયલ પ્લાઝા બનાવવા માટે અનેક વાર તેને તોડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આવા તમામ પ્રયાસો બંધ કરી દેવામાં આવ્યા છે કારણ કે પુરાતત્ત્વ વિભાગ તેમનું ઐતિહાસિક મહત્વ હોવાને કારણે તેમને સાચવવાનું ઇચ્છે છે. જો કે, કપૂર હવેલીના માલિક અલી કાદરે કહ્યું હતું કે તે ઇમારત તોડવા માંગતા નથી.

dilip kumar pakistan international news bollywood