સમઝૌતા એક્સપ્રેસ બ્લાસ્ટના ગુનેગારો સામે ભારત પગલાં લે : પાકિસ્તાન

14 November, 2011 05:35 AM IST  | 

સમઝૌતા એક્સપ્રેસ બ્લાસ્ટના ગુનેગારો સામે ભારત પગલાં લે : પાકિસ્તાન



માલદીવથી પાછા ફરતી વખતે પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન વડા પ્રધાન મનમોહન સિંહે પાકિસ્તાન ૨૬/૧૧ના હુમલાના અપરાધીઓ સામે નક્કર પગલાં લે એ પછી જ એ દેશની મુલાકાતે જવાની સ્પષ્ટતા કર્યા બાદ પાકિસ્તાનનાં વિદેશપ્રધાન હિના રબ્બાની ખારે ગઈ કાલે વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘ભારતે સૌપ્રથમ ૨૦૦૭માં સમઝૌતા એક્સપ્રેસમાં થયેલા બૉમ્બબ્લાસ્ટના ગુનેગારો સામે પગલાં લેવાં જોઈએ. આ કેસ ૨૦૦૮માં થયેલા મુંબઈહુમલા કરતાં જૂનો છે. સમઝૌતા એક્સપ્રેસમાં થયેલા બ્લાસ્ટમાં ૭૦ લોકોનાં મોત થયાં હતાં, જેમાં ૪૨ પાકિસ્તાનીઓ હતા.’

જોકે આવું કહેતાં તેમણે ભારત અને પાકિસ્તાનની ન્યાયિક પ્રક્રિયાને એકસરખી ગણાવી હતી.

માલદીવમાં ગયા સપ્તાહે ૧૭મા સાર્ક (સાઉથ એશિયન અસોસિએશન ફૉર રીજનલ કો-ઑપરેશન) સંમેલન બાદ પાકિસ્તાનમાં ગઈ કાલે પ્રથમ વખત પ્રેસ કૉન્ફરન્સને સંબોધતાં ફૉરેન મિનિસ્ટર હિના રબ્બાની ખારે કહ્યું હતું કે ‘માલદીવમાં ભારત અને પાકિસ્તાનના વડા પ્રધાનો વચ્ચે બેઠક યોજાયા પછી બન્ને દેશો વચ્ચે અવિશ્વાસનું પ્રમાણ નહીંવત્ બની ગયું છે. હવે વિશ્વાસ વધારવાનો છે. આ વાતાવરણ બન્ને રાષ્ટ્રોને મંત્રણા યોજી વિવાદો ઉકેલવામાં મદદરૂપ બનશે.’