ઇમરાન ખાન સામે ઑડિયો લીક મામલે થશે કાર્યવાહી

03 October, 2022 09:21 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનની શાહબાઝ સરકારની કૅબિનેટે આપી મંજૂરી

ફાઇલ તસવીર

પાકિસ્તાનની શાહબાઝ સરકારની કૅબિનેટે ગઈ કાલે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમની પાર્ટીના ટોચના નેતાઓ સામે ઑડિયો લીક કરવાને લઈને કાનૂની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં તેઓ વિવાદાસ્પદ અમેરિકાના સાઇફરની ચર્ચા કરતા હતા તેમ જ તેમની હકાલપટ્ટીને કઈ રીતે ષડયંત્ર બતાવવું એની યોજના બનાવતા હતા. ગયા મંગળવારથી સોશ્યલ મીડિયામાં બે ઑડિયો ટેપ વહેતી થઈ છે, જેમાં ઇમરાન રાજકીય લાભ માટે સાઇફરનો કઈ રીતે ઉપયોગ કરવો એનું માર્ગદર્શન આપતા હતા. અમેરિકાના સેન્ટ્રલ અને સાઉથ એશિયાના અસિસ્ટન્ટ સેક્રટેરી ડોનાલ્ડ લુની અને પાકિસ્તાનના અમેરિકામાં રાજદૂત અસમજ મજીદ સાથે થયેલી બેઠકની ચર્ચા થઈ હતી. આ ઑડિયો લિન્કની નોંધ લેતાં કૅબિનેટ દ્વારા ૩૦ સપ્ટેમ્બરે એક સમિતિની રચના કરી હતી. શનિવારે મળેલી બેઠકમાં ઑડિયો લીકમાં જેમનાં નામ આવે છે એ તમામ સામે કાયદેસર કાર્યવાહીની ભલામણ કરાઈ છેે.  

international news pakistan imran khan