ભારત સાથેના વેપારી સંબંધો સુધારવામાં પાકિસ્તાન જરા પણ પાછીપાની નહીં કરે : રબ્બાની

10 November, 2011 08:48 PM IST  | 

ભારત સાથેના વેપારી સંબંધો સુધારવામાં પાકિસ્તાન જરા પણ પાછીપાની નહીં કરે : રબ્બાની

 

પાકિસ્તાનનાં વિદેશપ્રધાન હીના રબ્બાની ખારે ગઈ કાલે એસ. એમ. ક્રિષ્ના સાથેની બેઠક બાદ કહ્યું હતું કે ‘ભારત સાથેના વેપારી સંબંધોને પૂર્વવત્ કરવા માટેના ભાગરૂપે પાકિસ્તાનની કૅબિનેટ દ્વારા ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનું સ્ટેટસ આપવામાં આવ્યું છે અને પાકિસ્તાન એમાં પાછીપાની નહીં કરે.’

ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વાસનો અભાવ ઘટી રહ્યો હોવા વિશે બન્ને દેશોના નેતાઓએ સ્વીકાર કર્યો હતો. ક્રિષ્ના અને ખાર વચ્ચે ગઈ કાલે ત્રણ વખત બેઠક યોજાઈ હતી.

ભારત અને પાકિસ્તાનના વડા પ્રધાનો વચ્ચે આજે યોજાનારી બેઠકમાં ભારત પાકિસ્તાનને એના દેશમાં ચાલી રહેલા ૨૬/૧૧ હુમલાના કેસની ઝડપી સુનાવણી માટે દબાણ કરશે.

ભારત અને પાકિસ્તાનના વડા પ્રધાનો વચ્ચે આજે બેઠક યોજાશે

પાકિસ્તાનના વડા પ્રધાન યુસુફ રઝા ગિલાની અને ભારતના વડા પ્રધાન મનમોહન સિંહ વચ્ચે આજે સવારે માલદીવના અદુ શહેરમાં બેઠક યોજાશે. અહીં આજથી બે દિવસ સુધી યોજાનારું સાર્ક (સાઉથ એશિયન અસોસિએશન ફૉર રીજનલ કો-ઑપરેશન) સંમેલન શરૂ થાય એ પહેલાં જ બન્ને દેશોના નેતાઓ વચ્ચે બેઠક યોજાશે. આ પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગયા માર્ચ મહિનામાં મોહાલીમાં ક્રિકેટ વર્લ્ડ કપની સેમી ફાઇનલ મૅચ રમાઈ ત્યારે મનમોહન સિંહ અને ગિલાની વચ્ચે બેઠક યોજાઈ હતી. તાજેતરમાં પાકિસ્તાને ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનું સ્ટેટસ આપ્યું છે તથા પાકિસ્તાનમાં ભૂલા પડેલા ભારતના આર્મી હેલિકૉપ્ટરને પણ મુક્ત કરી દીધું હતું ત્યારે આ બેઠક ફળદાયી નીવડે એવી આશા છે.