નફ્ફટ પાકિસ્તાન : સીમા પર સંયમ રાખવા ભારતને સલાહ

08 October, 2014 05:53 AM IST  | 

નફ્ફટ પાકિસ્તાન : સીમા પર સંયમ રાખવા ભારતને સલાહ




પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યા પછી હવે સંયુક્ત રાષ્ટ્રસંઘના લશ્કરી નિરીક્ષક જૂથ સામે આ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો હતો અને ભારત પર યુદ્ધવિરામનો આક્ષેપ કર્યો હતો.

અંકુશરેખા પરની પરિસ્થિતિ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં પાકિસ્તાની વડા પ્રધાનના રાષ્ટ્રીય સલામતી તથા વિદેશ બાબતોના સલાહકાર સરતાજ અઝીઝે કહ્યું હતું કે ‘પાકિસ્તાનના જોરદાર રાજદ્વારી વિરોધ છતાં ભારત સરકાર એનાં લશ્કરી દળોને અંકુશમાં રાખી શકતી નથી. ગોળીબાર તથા ર્મોટારમારો બંધ કરવા અને સીમા પર શાંતિ જાળવી રાખવામાં મદદ કરવાની હાકલ અમે ભારતને કરીએ છીએ.’

પાકિસ્તાન સરકારે આ સંદર્ભે જવાબદારીપૂર્વક ભારે સંયમ જાળવી રાખ્યો હોવાનો દાવો પણ અઝીઝે કર્યો હતો. અઝીઝે કહ્યું હતું કે ‘અંકુશરેખા પર શાંતિ જાળવાઈ રહે એ માટે યુદ્ધવિરામના પાલન પર ભારત અને પાકિસ્તાનમાંના સંયુક્ત રાષ્ટ્રસંઘના લશ્કરી નિરીક્ષક જૂથે પણ નજર રાખવી જોઇએ.’

ઉશ્કેરણીજનક કૃત્યનો સજ્જડ જવાબ  : જાવડેકર

કેન્દ્રના માહિતી તથા પ્રસારણપ્રધાન પ્રકાશ જાવડેકરે પાકિસ્તાની સૈન્યના કૃત્યને વખોડી કાઢતાં ગઈ કાલે ચેતવણી આપી હતી કે ‘યુદ્ધવિરામના ભંગના આ ઉશ્કેરણીજનક કૃત્યનો ભારત સરકાર સજ્જડ જવાબ આપશે. પાકિસ્તાને સમજી લેવું જોઈએ કે ભારતમાં હવે નવી સરકાર સત્તા પર આવી છે. પાકિસ્તાન સીમા પર જે કંઈ કરી રહ્યું છે તે ઉશ્કેરણીજનક અને ચલાવી લેવાય એવું નથી. ભારત પાકિસ્તાનની આ ચાલમાં સપડાશે નહીં.’

જાવડેકરે એમ પણ કહ્યું હતું કે ‘ભારતીય સૈનિકો સીમા પરની પરિસ્થિતિનો સામનો બહાદુરીપૂર્વક કરી રહ્યા છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. સીમા પર જે કંઈ બની રહ્યું છે એની વિગત દેશવાસીઓ સમક્ષ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.’

કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે આકરી ચેતવણી આપતાં ગઈ કાલે કહ્યું હતું કે ‘પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાં અંકુશરેખા પર ગોળીબાર બંધ કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન અટકાવવું જોઈએ. યુદ્ધવિરામનું ઉલ્લંઘન ચાલુ રહેશે તો ભારતીય લશ્કર અને દેશનો દરેક યુવાન એને જડબાતોડ જવાબ આપશે.’