05 May, 2025 11:46 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
ઇમરાન ખાન
પાકિસ્તાનના સંસદસભ્ય અને ઇમરાન ખાનની પાર્ટીના નેતા શેર અફઝલ ખાન મારવતને પૂછવામાં આવ્યું કે પહલગામ આતંકવાદી હુમલાના પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ છે, ત્યારે જો યુદ્ધ ફાટી નીકળે તો તમે શું કરશો એના જવાબમાં તેમણે કહ્યું હતું કે જો બે દેશ વચ્ચે યુદ્ધ થશે તો હું સરહદ પર લડવા નહીં જાઉં, ઇંગ્લૅન્ડ જતો રહીશ.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ માને છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તનાવ ઓછો કરવા માટે પાછા હટી જવું જોઈએ ત્યારે મારવતે કટાક્ષમાં કહ્યું હતું કે શું મોદી મારા કાકીનો દીકરો છે કે તેઓ ફક્ત મારા કહેવાથી પાછા હટશે?
તેમનો જવાબ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો અને ઘણા લોકોએ કહ્યું હતું કે પાકિસ્તાની રાજકારણીઓ પણ તેમની સેના પર વિશ્વાસ કરતા નથી.
મારવત અગાઉ જેલમાં પૂરી દેવામાં આવેલા ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના સભ્ય હતા. જોકે પાર્ટી અને એના નેતૃત્વની વારંવાર ટીકાને કારણે ઇમરાન ખાને તેમને મુખ્ય પદો પરથી દૂર કર્યા હતા.
પાકિસ્તાન પર વધુ એક ડિજિટલ સ્ટ્રાઇક: ઇમરાન ખાન અને બિલાવલ ભુટ્ટોનું ઍક્સ અકાઉન્ટ બ્લૉક
પહલગામમાં થયેલા હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક આકરા નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે ત્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ
ભુટ્ટો અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનનાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પરનાં ‘ઍક્સ’ અકાઉન્ટ ભારતમાં બ્લૉક કરી દેવામાં આવ્યાં છે. આ અગાઉ પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન ખ્વાઝા આસિફનું ‘ઍક્સ’ અકાઉન્ટ બ્લૉક કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત પાકિસ્તાન સરકારના સત્તાવાર ‘ઍક્સ’ હૅન્ડલ તથા અનેક પાકિસ્તાની ક્રિકેટર્સ અને સેલિબ્રિટીઝની યુટ્યુબ ચૅનલ ભારતમાં બૅન કરી દેવામાં આવી હતી.