ઑસ્ટ્રેલિયામાં ગુજરાતી યુવતીની હત્યા કરનાર પાડોશી દોષી જાહેર

25 October, 2012 05:30 AM IST  | 

ઑસ્ટ્રેલિયામાં ગુજરાતી યુવતીની હત્યા કરનાર પાડોશી દોષી જાહેર



વડોદરાની વતની અને અકાઉન્ટિંગના અભ્યાસ માટે ઑસ્ટ્રેલિયા આવેલી ૨૪ વર્ષની તોશા ઠક્કર નામની યુવતીની રેપ બાદ હત્યા કરનાર ઑસ્ટ્રેલિયન યુવકને ગઈ કાલે સ્થાનિક ર્કોટે કસૂરવાર જાહેર કર્યો છે. સિડનીની ર્કોટે ૨૧ વર્ષના ડેનિયલ સ્ટેની-રેગિનાલ્ડ નામના આ યુવકને દોષી જાહેર કર્યો છે. સિડનીના ક્રોયડોન એરિયામાં આવેલી ઍડમિન સ્ટ્રીટના જે અપાર્ટમેન્ટમાં તોશા રહેતી હતી તેની બાજુમાં જ ડેનિયલ અન્ય બે યુવક સાથે રહેતો હતો.

માર્ચ ૨૦૧૧માં સિડની નજીક એક કનૅલમાં તરતી સૂટકેસમાંથી તોશાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસતપાસમાં એવું બહાર આવ્યું હતું કે તોશાની રેપ બાદ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. એ પછી પોલીસે તોશાની પાડોશમાં રહેતા ડેનિયલની ધરપકડ કરી હતી. પોલીસનું માનવું છે કે તોશાની તેના અપાર્ટમેન્ટમાં જ હત્યા કરવામાં આવી હતી. મર્ડર થયું એના બે વર્ષ પહેલાં જ તોશા અકાઉન્ટિંગના પોસ્ટ-ગ્રૅજ્યુએટ ર્કોસ માટે ઓસ્ટ્રેલિયા આવી હતી. તેની હત્યાની ઘટનાએ ભારતમાં ખળભળાટ મચાવ્યો હતો.