ભારત-ચીન બૉર્ડર પર ઊડતી રકાબી જેવી ચીજો આકાશમાં દેખાતાં ચિંતા

07 November, 2012 06:22 AM IST  | 

ભારત-ચીન બૉર્ડર પર ઊડતી રકાબી જેવી ચીજો આકાશમાં દેખાતાં ચિંતા



ભારત-ચીન સરહદે છેલ્લા ત્રણ મહિનામાં ૧૦૦થી વધારે અનઆઇન્ડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઑબ્જેક્ટ્સ (યુએફઓ) દેખાતાં આર્મી ચોંકી ગઈ છે. આ વિશે સરકારને રિપોર્ટ પણ આપવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીરના લદ્દાખથી અરૂણાચલ પ્રદેશ સુધી આકાશમાં આવી ભેદી ચીજો ઊડતી દેખાઈ છે. આ ચીજ શું છે એ હજી સુધી શોધી શકાયું નથી.

આર્મીની ૧૪મી કોપ્ર્સે સરકારને આપેલા રિપોર્ટ મુજબ દિવસે અને રાત્રિના સમયે આકાશમાં યુએફઓ ઊડતાં દેખાયાં છે. આશ્ચર્યજનક વાત એ છે કે રડાર કે અન્ય કોઈ પણ ઉપકરણોમાં આ ઊડતી ચીજો પકડાતી નથી. એટલું જ નહીં, રડાર પર કોઈ ધાતુનાં નિશાન પણ ઝડપાતાં નથી. ચીનની દિશા તરફથી સહેજ પીળા રંગની આ ચીજો લગભગ ત્રણથી પાંચ કલાક સુધી દેખાયા બાદ અચાનક અદૃશ્ય થઈ જાય છે. સૈન્યના અધિકારીઓએ કહ્યું હતું કે આ યુએફઓ ચીનના ડ્રૉન વિમાન કે સૅટેલાઇટ્સ નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચારથી પાંચ વર્ષ પહેલાં પણ ચીન સરહદે આવી ચીજો ઊડતી દેખાઈ હતી. જોકે ઉચ્ચ કક્ષાએ તેની નોંધ લેવાઈ ન હતી. આર્મીએ આ સંદર્ભમાં નિષ્ણાતો પાસે મદદ માગી છે.

આર્મીના એક્સપર્ટનું કહેવું છે કે આ યુએફઓ રડારમાં ઝડપાતા નથી એ ખરેખરચિંતાની વાત છે. એટલું જ નહીં તે ટેક્નૉલૉજીની દૃષ્ટિ આપણે કેટલા પાછળ છીએ એ પણ દર્શાવે છે. અગાઉ ૨૦૧૦માં પણ આવી જ ઘટના નોંધાઈ હતી. જોકે તપાસમાં તે ચાઇનીઝ ફાનસ હોવાનું બહાર આવ્યું હતું.