૯ જગ્યાએ કરવામાં આવેલી ઍર સ્ટ્રાઇકમાં ૨૧ કૅમ્પ અને ૧૦૦ આતંકવાદીઓનો ખાતમો

09 May, 2025 07:00 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

ઍર સ્ટ્રાઇકમાં ૧૦૦થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે. પહલગામમાં હિન્દુ ટૂરિસ્ટોને મારી નાખવામાં આવ્યા બાદ મહિલાઓના કપાળના સિંદૂર ભૂંસાઈ ગયાં હતાં

પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના કોટલી જિલ્લામાં તબાહ થયેલું બિલ્ડિંગ.

બાવીસમી એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ફરવા ગયેલા ૨૬ હિન્દુ ટૂરિસ્ટ્સને નામ અને ધર્મ પૂછીને ગોળીઓથી વીંધી નાખવાની અત્યંત ક્રૂરતાભરી ઘટનાના ૧૫ દિવસ બાદ મંગળવારે મોડી રાતે ભારતની વાયુસેનાએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર અને પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના ૯ અડ્ડા પર ઍર સ્ટ્રાઇક કરી હતી, જેમાં આતંકવાદીઓના ૨૧ કૅમ્પનો ખાતમો બોલી ગયો હતો. આ ઍર સ્ટ્રાઇકમાં ૧૦૦થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે. પહલગામમાં હિન્દુ ટૂરિસ્ટોને મારી નાખવામાં આવ્યા બાદ મહિલાઓના કપાળના સિંદૂર ભૂંસાઈ ગયાં હતાં. આ મહિલાઓને સમર્પિત કરીને ઍર સ્ટ્રાઇકને ઑપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું અને તેમને કોઈક રીતે ન્યાય અપાવવાનો પ્રયાસ સરકારે કર્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧માં થયેલા યુદ્ધ બાદનો આ પાકિસ્તાન પરનો સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સેનાની ત્રણેય પાંખ સામેલ હતી.

મુઝફ્ફરાબાદમાં તબાહ થયેલી બિલાલ મસ્જિદ સાથે વિડિયો બનાવતો એક પત્રકાર.

ઑપરેશન સિંદૂરમાં પરિવારના ૧૦ સભ્યોની હત્યા પર આતંકવાદી મસૂદ અઝહર દુખી, કહ્યું... હું પણ મરી ગયો હોત તો સારું થાત

ઑપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના પરિવારના ૧૦ સભ્યો મૃત્યુ પામ્યાં છે. આ હુમલા પછી દુખી મસૂદ અઝહરે કહ્યું કે હું પણ આ હુમલામાં માર્યો ગયો હોત તો સારું થાત.

જૈશ-એ-મોહમ્મદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘મૌલાના કશફનો આખો પરિવાર, મૌલાના મસૂદ અઝહરની મોટી બહેન સહિતનાં મોત થયાં છે અને મુફ્તી અબ્દુલ રઉફના પૌત્રો, બાજી સાદિયાના પતિ અને તેની મોટી પુત્રીનાં ચાર બાળકો ઘાયલ થયા છે. મોટા ભાગે મહિલાઓ અને બાળકોનાં મોત થયા છે.’

બહાવલપુર પાસે ભારતીય મિસાઇલના અવશેષોના ફોટો પાડતા મીડિયાવાળા.

હવાઈ હુમલામાં મૃત્યુ પામેલા અઝહરના પરિવારના સભ્યો અને નજીકના લોકોને આજે દફનાવવામાં આવશે. ભારતીય સશસ્ત્ર દળોએ પંજાબમાં જૈશ-એ-મોહમ્મદના ગઢ વહાવલપુર સહિત નવ આતંકવાદી ઠેકાણાંઓ પર મિસાઇલહુમલા કર્યા હતા.

મુરિદકેમાં આતંકવાદીઓની દફનવિધિમાં મિલિટરીના અને સરકારના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ભારતનું પાર કે પેલે પારનું લક્ષ્ય, બાલાકોટ કાર્યવાહીમાં બાકી રહેલા બે મોટા ટાર્ગેટ પણ કર્યા નષ્ટ

ઑપરેશન સિંદૂર હેઠળ ભારતે ગઈ કાલે રાત્રે નવ સ્થળોને નિશાન બનાવ્યાં એમાં ખાસ વાત એ છે કે આમાં બે વધુ સ્થળોનો સમાવેશ થાય છે જેને બાલાકોટ ઍર-સ્ટ્રાઇક સમયે ભારતીય સેનાએ છોડી દીધાં હતાં. હાલની કાર્યવાહી દર્શાવે છે કે ભારત આતંકવાદ સામે ‘કરો યા મરો’ યુદ્ધના મૂડમાં છે.

મુરિદકેમાં તબાહ થયેલા એક સરકારી મકાન સાથે સેલ્ફી લેતા લોકો.

ઑપરેશન સિંદૂરમાં સમાવિષ્ટ નવ સ્થળોમાંથી બે બહાવલપુર અને કોટલી બાલાકોટ કાર્યવાહી સમયે ભારતીય સેનાના રડાર પર હતાં, પરંતુ સેનાએ એ બન્ને છોડી દીધાં હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનું કારણ એ હતું કે અહીં હુમલો કરવો એ આક્રમક કૃત્ય માનવામાં આવશે. ખાસ વાત એ છે કે બહાવલપુર જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક છે.

બહાવલપુરમાં નષ્ટ થયેલી મસ્જિદ.

ઍર સ્ટ્રાઇકમાં લશ્કર--તય્યબાનો આતંકવાદી મુદસ્સિર ઠાર, થોડા દિવસ પહેલાં થયા હતા તેના ચોથા નિકાહ

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે ગઈ કાલે સવારે કરેલી ઍર સ્ટ્રાઇકમાં લશ્કર-એ-તય્યબાનો હાઈ વૅલ્યુ ટેરરિસ્ટ અબ્દુલ મલિક અને મુદસ્સિર ઠાર થયા છે. આ બેઉ આતંકવાદીઓને મુદિરકેના મરકજ તય્યબાના કૅમ્પમાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. મુદસ્સિરે થોડા દિવસ પહેલાં ચોથાં લગ્ન કર્યાં હતાં.

Pahalgam Terror Attack terror attack pakistan kashmir jammu and kashmir india indian air force Pakistan occupied Kashmir Pok indian army anti-terrorism squad news international news world news