અમેરિકામાં વધુ એક ગોળીબાર, ૨૧ જણનાં મોત : કારણ વિડિયો ગેમ?

26 May, 2022 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હુમલાખોરે એક પ્રાથમિક સ્કૂલમાં ૧૯ નાનાં બાળકોને મારી નાખ્યાં, પ્રથમ દૃષ્ટિએ વિડિયો ગેમની હિંસાથી પ્રેરાઈને આ હુમલો થયો હોવાનું જણાય છે

ટેક્સસના યુવાલ્ડેમાં મંગળવારે રોબ ઍલિમેન્ટરી સ્કૂલ ખાતે ગોળીબારના પીડિતો માટે અશ્રુભીની આંખે પ્રાર્થના કરી રહેલા લોકો. એ.પી. / પી.ટી.આઇ.

યુવાલ્ડે : અમેરિકામાં જાહેરમાં અંધાધૂંધ ગોળીબાર કરીને લોકોને મારી નાખવાની વધુ એક ઘટના બહાર આવી છે. ટેક્સસમાં મંગળવારે એક ટીનેજ હુમલાખોરે એક પ્રાથમિક સ્કૂલમાં ૧૯ નાનાં બાળકો અને બે ઍડલ્ટ્સની હત્યા કરી હતી. એને લીધે રોષે ભરાયેલા પ્રેસિડન્ટ જો બાઇડને અમેરિકન ગન લૉબીની આકરી ટીકા કરી હતી.  
મેક્સિકન બૉર્ડરથી લગભગ એક કલાકના અંતરે આવેલા યુવાલ્ડેમાં થયેલો આ હુમલો અમેરિકાની સ્કૂલમાં તાજેતરનાં વર્ષોમાં થયેલો સૌથી ભયાનક હુમલો છે.
ટેક્સસના ગવર્નર ગ્રેગ એબોટે પત્રકાર પરિષદને સંબોધતાં આ હુમલાખોરનું નામ સલ્વાડોર રામોસ જણાવ્યું હતું. ૧૮ વર્ષનો સલ્વાડોર અમેરિકન સિટિઝન હતો.
ટેક્સસના જાહેર સુરક્ષા વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલાખોરે બપોરે રોબ એલિમેન્ટરી સ્કૂલ જતાં પહેલાં તેની દાદીને ગોળી મારી હતી.
અમેરિકન મીડિયાના વિડિયો ફુટેજમાં જોવા મળ્યું હતું કે આ સ્કૂલમાંથી પોલીસે કેટલાંક બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યાં હતાં. તેમને કાર અને બસોમાં લઈ જવામાં આવ્યાં હતાં. આ સ્કૂલમાં સાતથી દસ વર્ષ સુધીનાં બાળકો ભણે છે.
આ હુમલાખોરે સ્કૂલ પાસે એક ખાડામાં તેનું વેહિકલ છોડી દીધું હતું. એ પછી તે સ્કૂલના પ્રિમાઇસિસમાં પ્રવેશ્યો હતો. તેને અંદર જતો રોકવામાં આવ્યો હતો. જોકે તે અંદર જવામાં સફળ રહ્યો હતો જ્યાં તેણે અનેક ક્લાસરૂમમાં જઈને ગોળીબાર કર્યો હતો. માર્યા ગયેલા ઍડલ્ટ્સમાં એક ટીચરનો સમાવેશ છે. અમેરિકન મીડિયા અનુસાર તેનું નામ ઇવા મિરેલ્સ હતું. આ સ્કૂલમાં અંદાજે ૫૦૦ બાળકો ભણતાં હતાં.
આ હુમલામાં ઓછામાં ઓછા એક બૉર્ડર પેટ્રોલ એજન્ટને ઈજા થઈ હતી. અમેરિકન હોમલૅન્ડ સિક્યૉરિટી ડિપાર્ટમેન્ટ અનુસાર કાયદો-વ્યવસ્થા સંભાળતા બૉર્ડર પેટ્રોલ એજન્ટ્સ તેમના જીવને જોખમમાં મૂકીને આ શૂટર અને બાળકોની વચ્ચે આવી ગયા હતા જેથી વધુ જીવ બચાવી શકાય.
આ હુમલાના માત્ર ત્રણ દિવસ પહેલાં આ હુમલાખોરના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બે એઆર૧૫- રાઇફલ્સનો એક ફોટોગ્રાફ પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેના ટિકટોક પેજ પર વિડિયો ગેમની એક જ પોસ્ટ હતી.

મોટા ભાગે સ્કૂલોને જ શા માટે ટાર્ગેટ કરવામાં આવે છે?

અમેરિકામાં સતત સ્કૂલોને ટાર્ગેટ બનાવવામાં આવે છે. ટેક્સસમાં જ આવી અનેક ઘટનાઓ બની છે. ૨૦૧૬માં ટેક્સસની અલ્પાઇન સ્કૂલમાં જ આ પ્રકારનો ગોળીબાર થયો હતો. એ પછી ૨૦૧૮માં આવી જ ઘટના બની હતી જ્યારે ટેક્સસની સેન્ટ ફે સ્કૂલમાં ૧૭ વર્ષના હુમલાખોરે બાળકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં દસ જણનાં મોત થયાં હતાં. એે પછી ગયા વર્ષે ટિમ્બરવ્યુ સ્કૂલમાં ગોળીબાર થયો હતો, જેમાં કોઈનું મોત નહોતું થયું, પરંતુ અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ટેક્સસ સિવાય પણ અમેરિકાના જુદા-જુદા વિસ્તારોમાં આવી ઘટનાઓ બની છે. ૨૦૧૨માં અમેરિકાના ન્યુટાઉનની સેન્ડી હુક સ્કૂલમાં હુમલાખોરે ગોળીબાર કર્યો હતો, જેમાં ૨૬ જણનાં મોત નીપજ્યાં હતાં. ગયા વર્ષે ડિસેમ્બરમાં મિશિગન હાઈ સ્કૂલમાં પણ ફાયરિંગ થયું હતું, જેમાં ચાર જણનાં મોત નીપજ્યાં હતાં. 

world news united states of america texas