આ દેશોમાં થઈ ઑમિક્રૉનની એન્ટ્રી

29 November, 2021 01:47 PM IST  |  London | Agency

ચેક પ્રાઇમ મિનિસ્ટર એન્દ્રેજ બબિસે જણાવ્યું હતું કે આ મહિલા નામિબિયા ગઈ હતી અને તે સાઉથ આફ્રિકા અને દુબઈ વાયા થઈને ચેક રિપબ્લિકમાં પાછી ફરી હતી. 

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના અત્યંત ચેપી વેરિઅન્ટ ઑમિક્રૉનને ફેલાતો રોકવા માટે દુનિયાભરમાં યુદ્ધના ધોરણે પ્રયાસ થઈ રહ્યા છે. જોકે સાઉથ આફ્રિકામાં આ વેરિઅન્ટની ઓળખ કરાઈ એના થોડા દિવસોમાં જ અનેક દેશોમાં એના કેસ આવ્યા છે. 
ચેક રિપબ્લિક
ચેક રિપબ્લિકની સિટી લિબેરેકની એક રીજનલ હૉસ્પિટલના સ્પોક્સપર્સને કન્ફર્મ કર્યું છે કે એક મહિલા ઑમિક્રૉનથી સંક્રમિત થઈ છે. ચેક પ્રાઇમ મિનિસ્ટર એન્દ્રેજ બબિસે જણાવ્યું હતું કે આ મહિલા નામિબિયા ગઈ હતી અને તે સાઉથ આફ્રિકા અને દુબઈ વાયા થઈને ચેક રિપબ્લિકમાં પાછી ફરી હતી. 
આ મહિલા વૅક્સિનેટેડ છે અને તેનામાં આ બીમારીનાં હળવાં લક્ષણો જોવા મળ્યાં છે. 
ઇટલી
મોઝમબિક્યુનો પ્રવાસ કરનાર એક ઇટાલિયનના ઑમિક્રૉન વેરિઅન્ટ માટેની ટેસ્ટ પૉઝિટિવ આવી છે. આ બિઝનેસ ટ્રાવેલર ૧૧ નવેમ્બરે રોમમાં આવ્યો હતો અને નેપ્લ્સ પાસે તેના ઘરે પાછો ફર્યો હતો. બે બાળકો સહિત તેના પાંચ ફૅમિલી મેમ્બર્સ પણ પૉઝિટિ​વ આવ્યા છે. તેઓ તમામ આઇસોલેટ છે અને તેમનામાં હળવાં લક્ષણો જોવા મળ્યાં છે. મિલાનની સેકો હૉસ્પિટલ દ્વારા આ વેરિઅન્ટને કન્ફર્મ કરવામાં આવ્યો હતો. 
જર્મની
સાઉથ આફ્રિકાથી ૨૪ નવેમ્બરે ફ્લાઇટમાં આવનારા બે ટ્રાવેલર્સ ઑમિક્રૉનથી સંક્રમિત થયા હોવાનું કન્ફર્મ થયું છે. મ્યુનિચ બેઝ્ડ માઇક્રોબાયોલૉજી સેન્ટર મેક્સ વોન પીટનકોફર ઇન્સ્ટિટ્યૂટના હેડ ઓલિવર કેપ્લરે જણાવ્યું હતું કે ‘હજી સુધી જિનોમ સિક્વન્સીસ કમ્પ્લીટ થઈ નથી, પરંતુ આ વેરિઅન્ટ જ હોવાની બાબતમાં કોઈ શંકા નથી.’
યુકે
બ્રિટિશ હેલ્થ મિનિસ્ટર સાજિદ જાવિદે જણાવ્યું હતું કે બ્રિટનમાં ઑમિક્રૉનના બે કેસ ડિટેક્ટ થયા છે. આ બન્ને પેશન્ટ્સ સાઉથ આફ્રિકા ગયા હતા. જેના પછી બ્રિટનમાં માસ્ક પહેરવાના નિયમો તેમ જ વિદેશોમાંથી આવનારા લોકોના ટેસ્ટિંગનું કડકાઈથી અમલ કરવાનું શરૂ થયું છે. 
ઑસ્ટ્રેલિયા
ઑમિક્રૉન વેરિઅન્ટ હવે ઑસ્ટ્રેલિયામાં પણ પહોંચ્યો છે. ન્યુ સાઉથ વેલ્સની હેલ્થ ઑથોરિટીઝે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે આફ્રિકાના દ​ક્ષિણ રીજનમાંથી સિડનીમાં આવનારા બે પેસેન્જર્સ કોરોના પૉઝિટિવ આવ્યા છે. જેના પગલે તાત્કાલિક તેમના જિનોમ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં બહાર આવ્યું હતું કે તેઓ ઑમિક્રૉનથી સંક્રમિત છે. 
ઇઝરાયલ
ઇઝરાયલમાં અત્યાર સુધીમાં ઑમિક્રૉનનો એક કેસ કન્ફર્મ થયો છે જ્યારે બીજા સાત શંકાસ્પદ કેસ છે. ઇઝરાયલે તાજેતરમાં જણાવ્યું હતું કે આફ્રિકાના દ​ક્ષિણ રીજનમાંથી તાજેતરમાં આવેલા ૮૦૦ ટ્રાવેલર્સને શોધીને તેમના ટેસ્ટિંગ માટે પ્રયાસ ચાલી રહ્યા છે. 
નેધરલૅન્ડ્સ

નેધરલૅન્ડ્સમાં ધ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પબ્લિક હેલ્થે જણાવ્યું હતું કે સાઉથ આફ્રિકાથી બે ફ્લાઇટ્સમાં એમ્સ્ટરડેમ આવનારા અનેક લોકોની ટેસ્ટ કરવામાં આવી છે અને જેમાંથી અનેક ઑમિક્રૉનથી સંક્રમિત હોવાની શક્યતા છે. એની ખાતરી કરવા માટે જિનોમ સિક્વન્સીસની ટેસ્ટ કરવામાં આવી રહી છે. કુલ ૬૧ લોકોની ટેસ્ટ કરવામાં આવી હતી.

ભારત ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ શરૂ કરવાના નિર્ણયની સમીક્ષા કરશે
નવી દિલ્હી : ભારત શેડ્યુલ્ડ કમર્શિયલ ઇન્ટરનૅશનલ પેસેન્જર સર્વિસ શરૂ કરવા માટેની તારીખ બાબતે કેન્દ્ર સરકારના નિર્ણયની સમીક્ષા કરશે. ગૃહ મંત્રાલયના સ્પોક્સપર્સને ગઈ કાલે જણાવ્યું હતું કે બદલાઈ રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણયની સમીક્ષા કરાશે. સિવિલ એવિએશન મંત્રાલયે બે દિવસ પહેલાં જ જણાવ્યું હતું કે શેડ્યુલ્ડ ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ ૧૫ ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે.  ઑમિક્રૉનથી સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ગૃહસચિવ દ્વારા બોલાવવામાં આવેલી અર્જન્ટ મીટિંગમાં એના વિશે ચર્ચા કરવામાં આવી હતી.

international news