ઓમાઇક્રોન નામ કેમ પાડ્યું?

06 December, 2021 08:49 AM IST  |  Moscow | Gujarati Mid-day Correspondent

સાઇબેરિયન બિઝનેસમૅને ડબ્લ્યુએચઓ વિરુદ્ધ દાવો માંડ્યો

પ્રતીકાત્મક તસવીર

ઓમાઇક્રોન વેરિઅન્ટને ફેલાતો રોકવા માટે સમગ્ર દુનિયામાં યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને આ વેરિઅન્ટનું નામ ઓમાઇક્રોન રાખ્યું હશે ત્યારે એણે કલ્પના નહીં કરી હોય કે એ એક સાઇબેરિયન બિઝનેસમૅન માટે દુઃસ્વપ્ન બની જશે. આ બિઝનેસમૅને તેની કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા બદલ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) વિરુદ્ધ દાવો માંડ્યો છે. 
ઓમાઇક્રોન નેટવર્ક ઑફ ઓપ્થેલ્મોલૉજી ક્લિનિક્સના સીઈઓ એલેક્ઝાન્દર પદરે આરોપ મૂક્યો છે કે કોરોનાના નવા વેરિઅન્ટના નામથી તેમના બિઝનેસને નુકસાન જ થવાનું છે. તેમણે કહ્યું હતું કે ‘અમારું નામ રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે. અમારી કંપની મેડિસિન અને હેલ્થકૅરના ફીલ્ડમાં કામ કરે છે.’
આ બિઝનેસમૅને આખી દુનિયામાં તેમના ક્લિનિક્સના માર્કેટિંગ માટે ખૂબ જ ખર્ચ કર્યો છે. જોકે હવે નવા વેરિઅન્ટના ફેલાવાના કારણે તેમના ક્લિનિક વિશે કોઈ ઇન્ટરનેટ પર સર્ચ કરે તો કોરોનાના વેરિઅન્ટ વિશે ન્યુઝ અને ઇન્ફર્મેશન જ જોવા મળે છે. એલેક્ઝાન્ડરે કહ્યું હતું કે ‘જરા એનો તો વિચાર કરો કે કોઈ ઓમાઇક્રોનથી મરી જશે તો એવા જ નામવાળા અમારા ક્લિનિકમાં કોઈ નહીં આવે.’ નોંધપાત્ર છે કે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન ગ્રીક આલ્ફાબેટના લેટર્સ પરથી કોરોના વેરિઅન્ટ્સનાં નામ રાખે છે.

international news Omicron Variant world health organization