ઓમાઇક્રોનના લીધે બાળકોને ક્રૂપની બીમારી

09 January, 2022 09:35 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ડૉક્ટર્સ જણાવી રહ્યા છે કે ઓમાઇક્રોન ફેફસાંમાં ઊંડાણના બદલે શ્વસન માર્ગમાં ઉપરના ભાગે સેટલ થતો હોવાનું જણાય છે, જેના કારણે જ બાળકોમાં ક્રૂપની બીમારી જોવા મળતી હોવાની સંભાવના વધારે છે

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં ઓમાઇક્રોનના બાળ-દરદીઓથી ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ્સ ઊભરાઈ રહી છે. આવી સ્થિતિમાં બાળકોમાં ઓમાઇક્રોનના સંક્રમણ વિશે એક મહત્ત્વની જાણકારી મળી છે. એક્સપર્ટ્સ જણાવી રહ્યા છે કે ઓમાઇક્રોન વેરિઅન્ટ પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને નવી રીતે અસર કરી રહ્યો હોવાનું જણાય છે, જેના લીધે બાળકોને ક્રૂપ એટલે કે ઉગ્ર ખાંસીવાળો બાળરોગ થઈ રહ્યો છે. 
ક્રૂપ સામાન્ય રીતે એટલો જોખમી નથી, પરંતુ એના લીધે સ્વાભાવિક રીતે કોરોનાથી સંક્રમિત થનારાં નાનાં બાળકોના પેરન્ટ્સમાં ગભરાટની લાગણી ફેલાઈ છે, કેમ કે આ બાળકોએ હજી સુધી કોરોનાની રસી મેળવી નથી. 
ડૉક્ટર્સ જણાવી રહ્યા છે કે ઓમાઇક્રોન ફેફસાંમાં ઊંડાણના બદલે શ્વસન માર્ગમાં ઉપરના ભાગે સેટલ થતો હોવાનું જણાય છે, જેના કારણે જ બાળકોમાં ક્રૂપની બીમારી જોવા મળતી હોવાની સંભાવના વધારે છે. 
અમેરિકાના ટેનેસી સ્ટેટની વેન્ડરબિલ્ટ યુનિવર્સિટી મેડિકલ સેન્ટર ખાતે વેન્ડરબિલ્ટ વૅક્સિન રિસર્ચ પ્રોગ્રામના ડિરેક્ટર અને બાળકોમાં ચેપી રોગોના નિષ્ણાત ડૉ. બડી ક્રીચે જણાવ્યું હતું કે તેમણે અને તેમના કલીગ્ઝે કોરોનાથી પૉઝિટિવ આવનારાં નાનાં બાળકોમાં ક્રૂપ જેવી સ્થિતિ નોંધી હતી. બાળકોના શ્વસન માર્ગના ઉપરના ભાગે સોજો જોવા મળ્યો હતો, જે ક્રૂપની લાક્ષણિકતા છે.’
પૅરાઇન્ફ્લુએન્ઝા અને રેસ્પિરેટરી સીન્સિશલ વાઇરસ સહિત અનેક સીઝનલ વાઇરસિસના કારણે ક્રૂપ થાય છે. હવે એમ જણાય છે કે કોરોના, ખાસ કરીને ઓમાઇક્રોન વેરિઅન્ટને આ લિસ્ટમાં સામેલ કરવો જોઈએ. 
વેસ્ટ વર્જિનિયા યુનિવર્સિટીના પીડિયા​ટ્રિક પલ્મોનોલૉજિસ્ટ ડૉ. સૈફ અલ કતરનેહે જણાવ્યું હતું કે બાળકોમાં કોરોનાના કેસમાં વધારાની સાથે તેમણે પણ આવા નિદાનમાં વધારો થયો હોવાનું નોંધ્યું છે.

offbeat news international news