હાશ, ટ્રમ્પે કાંઇક તો પૉઝિટિવ કર્યું!

03 October, 2020 01:12 PM IST  |  Mumbai | Agencies

હાશ, ટ્રમ્પે કાંઇક તો પૉઝિટિવ કર્યું!

શૉક, આક્રોશ અને ટુચકાઓનો ટેસડો : યસ, ટ્રમ્પને કોરોના થતા દુનિયામાંથી આવા રિએક્શન્સ મળ્યાં

અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની મલાનિયા ટ્રમ્પનો કોરોના ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. હાલમાં ટ્રમ્પ દંપતી ક્વૉરન્ટીન હેઠળ છે. પ્રમુખના સલાહકાર હોપ હિક્સ તેમની સાથે ક્લિવલૅન્ડમાં થયેલી પ્રમુખપદની પ્રથમ ડિબેટમાં ગયા હતા અને ત્યાર પછી તે કોરોના પૉઝિટિવ હોવાનું માલૂમ પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે થોડા દિવસ અગાઉ જ તેમના હરીફ જૉ બિડેનના માસ્ક પહેરવા અંગે મજાક ઉડાવી હતી.
ત્યાર બાદ ટ્રમ્પે ટ્વિટર પર જણાવ્યું હતું કે ‘આજે મારો અને ફર્સ્ટ લેડીનો કોવિડ-19 ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. અમે ક્વૉરન્ટીન તથા સાજા થવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યાં છીએ. આપણે સાથે મળીને તેના પર જીત મેળવીશું.’

વિશ્વના સૌથી શક્તિશાળી નેતાને કોરોના ઇન્ફેક્શન લાગ્યાના સમાચાર જાણીને દૂર સુદૂરના પ્રદેશોમાંથી વિવિધ ક્ષેત્રોના આગેવાનો અને સામાન્ય નાગરિકો પ્રત્યાઘાત વ્યક્ત કરી રહ્યા છે. લોકોના પ્રત્યાઘાતોમાં ક્યાંક આઘાત, ક્યાંક આક્રોશ અને ક્યાંક જિજ્ઞાસા વ્યક્ત કરવામાં આવે છે. કોઈએ સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને કોઈએ મજાક પણ ઉડાવી છે. ડોનલ્ડ ટ્રમ્પે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર તેઓ પોતે અને તેમનાં પત્ની મલાનિયા ટ્રમ્પ કોરોના પૉઝિટિવ હોવાની જાહેરાત કર્યા પછી તર્ક-વિતર્ક, અફવાઓ અને ગુસપુસના આંતરરાષ્ટ્રીય બજારમાં તરેહતરેહના ઊહાપોહ થવા માંડ્યા છે. સોશ્યલ મીડિયા પર સમાચાર અને તેની ચર્ચાના પણ વિશ્લેષણો શરૂ કરવામાં આવ્યા છે.
ડોનલ્ડ ટ્રમ્પને કોરોના ઇન્ફેક્શનને પગલે ઇન્વેસ્ટર્સ અને શૅરબજારોમાં ચિંતા ફેલાઈ છે. એ સમાચારને પગલે એશિયન શૅર્સના ભાવ ગગડી ગયા છે. જપાન અને ઑસ્ટ્રેલિયાના શૅરબજારો ટાઢા પડી રહ્યાં છે. ત્રીજી નવેમ્બરે યોજાનારી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી બાબતે પણ ચિંતા જાગી છે. ઑઇલના ભાવ ઉતરી ગયા છે.
ટ્રમ્પના શાસનકાળમાં ભારત અને અમેરિકાના સંબંધો એટલા ગાઢ બન્યા છે કે એશિયામાં ચીનની ટક્કરમાં ભારતને અમેરિકાનો વજનદાર-સક્ષમ ભાગીદાર દેશ ગણવામાં આવે છે. જપાન, ઑસ્ટ્રેલિયા અને ભારત સહિત અનેક દેશોના પ્રધાનો અને સરકારી પ્રવક્તાઓ ઉપરાંત વિવિધ ક્ષેત્રોના આગેવાનોએ ટ્રમ્પ દંપતીને કોરોના ઇન્ફેક્શન લાગવાની ઘટના પ્રત્યે ખેદ વ્યક્ત કર્યો છે અને બન્ને વહેલી તકે સાજા થઈ જાય એવી શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. કેટલાક મહિના પહેલાં ટ્રમ્પે કોરોનાના દરદીઓને ડેટોલ જેવા ડિસઇન્ફેક્ટન્ટ્સનાં ઇન્જેક્શન્સ આપવાની ભલામણ કરી હતી, તેની જપાનમાં ઘણી મશ્કરી કરવામાં આવી હતી.
ઘણા બધા ચીનાઓએ તેમના સોશ્યલ મીડિયા ઍપ વેઇબો પર ટ્રમ્પના કોરોના ઇન્ફેક્શનની મશ્કરી પણ ઉડાવી હતી. વેઇબો પર કોઈએ લખ્યું હતું કે ‘હાશ, ટ્રમ્પે કંઈક તો પૉઝિટિવ કર્યું , એકાદ તો પૉઝિટિવ વાત કહી!’ અન્ય એક જણે લખ્યું કે ‘ટ્રમ્પસાહેબ હવે તેમના કોરોના પૉઝિટિવ રિપોર્ટ માટે પણ ચીનને જવાબદાર ઠેરવશે? ’ સોશ્યલ મીડિયા પર કેટલાક ચીનાઓએ ગંભીર કે આકરી કમેન્ટ્સ પણ કરી હતી. રોગચાળાનો જ્યાં ઉદ્ભવ થયો એ ચીનની સરકારે કોરોના સામે લડત માટે વૈશ્વિક સહકારનો અનુરોધ કર્યો છે.

માસ્કની મજાક ભારે પડી

રાષ્ટ્રપતિની ચૂંટણી દરમ્યાન ૩૦ સપ્ટેમ્બરે યોજાયેલી ડિબેટમાં માસ્ક બતાવતા ડોનલ્ડ ટ્રમ્પે પોતાના હરીફની મજાક ઉડાડતાં કહ્યું હતું કે ‘હું બાઇડનની માફક માસ્ક નથી પહેરતો.’ પણ કોરોના થતાં તેમની આ મજાકની ભારે ટીકા થઈ રહી છે.

ગેટ વેલ સૂન

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની મલાનિયાને કોરોના ઇન્ફેક્શન લાગ્યાના સમાચારના પ્રતિસાદ રૂપે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બન્નેને વહેલા સાજા થઈ જાય એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. ગઈ કાલે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર વડા પ્રધાને જણાવ્યું હતું કે ‘મારા મિત્ર ડોનલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની મલાનિયા ટ્રમ્પ વહેલા સાજાં થઈ જાય અને તેમને સારું આરોગ્ય પ્રાપ્ત થાય એવી શુભેચ્છા વ્યક્ત કરું છું.’

કોરોના બાદ સામાન્ય રીતે આપણા બિલ્ડિંગ અને ઘરની બહાર લાગતું આવું બૅનર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની કોરોના-પૉઝિટિવ થતાં વૉશિંગ્ટનના વાઇટ હાઉસની બહાર પણ લાગ્યું હતું. તસવીર : એએફપી.

national news international news donald trump coronavirus covid19