ફક્ત મોઢાના ટેકાથી આખા શરીરના દાવપેચ કરતી રશિયન યુવતી

27 March, 2021 01:09 PM IST  |  Canada | Gujarati Mid-day Correspondent

મૂળ રશિયન અને હાલમાં પતિ સાથે કેનેડા રહેતી આનાસ્તાસિયા ઇવસિગ્નિવા નામની યુવતી મેરિનેલી બૅન્ડ પર્ફોર્મ કરી શકે છે

મેરિનેલી બૅન્ડ

ભારતના યોગાસનની માફક જિમ્નૅસ્ટિક્સ અને ઍથ્લેટિક્સમાં અનેક અસાધારણ કરતબ હોય છે. એવું એક મેરિનેલી બૅન્ડ ખૂબ અનુભવી અને ટૅલન્ટેડ પર્ફોર્મર્સ કરી શકે એમ હોય છે. મૂળ રશિયન અને હાલમાં પતિ સાથે કેનેડા રહેતી આનાસ્તાસિયા ઇવસિગ્નિવા નામની યુવતી મેરિનેલી બૅન્ડ પર્ફોર્મ કરી શકે છે. મેરિનેલી બૅન્ડમાં ફક્ત મોઢા વડે એક સ્તંભ પરની નોબ પકડવાની હોય છે અને એમાં આખા શરીરનો ભાર મોઢા અને દાંત પર આવે છે. આનાસ્તાસિયાએ શરીરને કોઈ પણ દિશામાં અને કોઈ પણ સ્થિતિમાં વાળવાની ક્ષમતા માટે ખૂબ ખ્યાતિ મેળવી છે. ક્યારેક તે બન્ને હાથની માત્ર એક-એક આંગળીના ટેકે હોય છે તો ક્યારેક બન્ને હાથ પણ ઊંચા લઈ લે છે.

હાલમાં ૨૮ વર્ષની આનાસ્તાસિયાના મેરિનેલી બૅન્ડ સહિતના પર્ફોર્મન્સના વિડિયો અને તસવીરો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર લોકપ્રિય થયાં છે. 

સાવ નાની ઉંમરે શાકભાજી છોલતી-કાપતી વખતે કે કમ્પ્યુટર પર કામ કરતી વખતે શરીરને અસાધારણ રીતે વળાંક આપવાની તેની ક્ષમતા જોઈને લોકો દંગ રહી જતા હતા, પરંતુ એ બાબતે તેણે ૧૭ વર્ષની ઉંમરે ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું હતું. ૧૭ વર્ષની ઉંમરે સમૂહનૃત્યોમાં આનાસ્તાસિયાની એ ક્ષમતાનો ઉપયોગ થવા માંડ્યો હતો. સમૂહ નૃત્યોની તાલીમ વચ્ચે એ મેરિનેલી બૅન્ડ શીખી હતી. જોકે એ અઘરો વ્યાયામ શીખતાં તેને સાવ ઓછો વખત લાગ્યો હતો. એ વ્યાયામ-સ્ટન્ટ પર્ફોર્મ કરવામાં જીવનું જોખમ હોવાનું કોચ અને કોરિયોગ્રાફર આનાસ્તાસિયાના પતિને જણાવી ચૂક્યા છે. ગરદન કે કરોડરજ્જુને ઈજા થવાની અને જીવ જવાની શક્યતા ધરાવતા મેરિનેલી બૅન્ડની સ્થિતિમાં આનાસ્તાસિયા ૩૬ સેકન્ડ રહી શકે છે અને એ બાબતનો વિશ્વવિક્રમ ૩૮ સેકન્ડનો છે.

offbeat news international news