ચીનમાં બાળકો સોમથી શુક્ર દોઢ કલાક અને વીક-એન્ડમાં ૩ કલાક જ ગેમ રમી શકશે

21 November, 2019 09:12 AM IST  |  China

ચીનમાં બાળકો સોમથી શુક્ર દોઢ કલાક અને વીક-એન્ડમાં ૩ કલાક જ ગેમ રમી શકશે

પ્રતિકાત્મક તસવીર

ચીન સરકારે ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોના વિડિયો ગેમ રમવા પર આંશિક પ્રતિબંધની જાહેરાત કરી છે. સરકારનું કહેવું છે કે વિડિયો ગેમના કારણે બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં અડચણ સર્જાય છે. આ કારણે તેમના રમવાના સમયને સીમિત કરવો જરૂરી છે. ચીનના નૅશનલ પ્રેસ ઍન્ડ પબ્લિકેશન ઍડ્મિનિસ્ટ્રેશને હાલમાં જ આ નિયમોનું લિસ્ટ જાહેર કર્યું. એ મુજબ, ૧૮ વર્ષથી ઓછી ઉંમરના યુવાઓને રાતે ૧૦ વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુધી ઑનલાઇન ગેમ રમવા દેવામાં આવશે નહીં.
નિયમો મુજબ, સપ્તાહમાં સોમવારથી શુક્રવાર સુધી પ્રત્યેક દિવસે વિડિયો ગેમ રમવા માટે માત્ર ૯૦ મિનિટનો સમય મળશે. જોકે વીકે-એન્ડ અને રજાઓમાં એને વધારીને ૩ કલાક કરવામાં આવશે. આ સિવાય ૧૬ વર્ષથી ઓછી ઉંમરના યુવા ગેમ્સ પર એક મહિનામાં ૨૦૦ યુઆન (૨૦૦૦ રૂપિયા)થી વધુ ખર્ચ પણ કરી શકશે નહીં. ૧૬થી ૧૮ વર્ષના યુવાઓ માટે વિડિયો ગેમ્સ પર ખર્ચની સીમા વધારીને ૪૦૦ યુઆન (૪૦૦૦ રૂપિયા) રાખવામાં આવી છે. ૧૮ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિએ તેનું અસલી નામ અને આઇડેન્ટિફિકેશન નંબર પણ આપવો પડશે.