ઓબામાની ટીમમાં રેકૉર્ડબ્રેક ભારતીયોને સ્થાન

20 November, 2012 03:14 AM IST  | 

ઓબામાની ટીમમાં રેકૉર્ડબ્રેક ભારતીયોને સ્થાન



અમેરિકાની કુલ વસ્તીમાં ભારતીયોનું પ્રમાણ એક ટકા જેટલું છે, પણ બીજી વખત અમેરિકાના પ્રમુખ બનેલા બરાક ઓબામાની ટીમમાં આ વખતે સૌથી વધુ ભારતીયોને સ્થાન અપાયું છે, જે અમેરિકામાં ભારતીયોના વધી રહેલા વર્ચસ્વનો પુરાવો છે. અમેરિકાના અત્યાર સુધીના પ્રમુખોમાં આ પહેલી વાર આટલી મોટી સંખ્યામાં વહીવટી તંત્રમાં ભારતીયોને સ્થાન મળ્યું છે. અમેરિકામાં અત્યારે ભારતીયોની સંખ્યા ૩૧ લાખ જેટલી છે.

ઓબામાએ ભારતીયોની પ્રતિભાને ઓળખીને તેમને પોતાની ટીમમાં લીધા છે. વાઇટ હાઉસમાં વિદેશ મંત્રાલયનો વિભાગ, નાણાં મંત્રાલય, સંરક્ષણ વિભાગ તથા કૉમર્સ વિભાગ સહિતના લગભગ દરેક ખાતામાં મહત્વની જગ્યાએ ભારતીયની નિમણૂક કરવામાં આવેલી છે. ઓબામાના વહીવટી તંત્રમાં કુલ કેટલા ભારતીય મૂળના અમેરિકનો સામેલ છે એ વિશે કોઈ ચોક્કસ આંકડો નથી અપાયો પણ એવો અંદાજ છે કે આ સંખ્યા ૫૦ની આસપાસ છે.

રોનાલ્ડ રેગન અમેરિકાના પ્રમુખ હતા ત્યારે તેમણે પહેલી વાર કોઈ ભારતીય મૂળની વ્યક્તિને પોતાની ટીમમાં સામેલ કરી હતી. ૧૯૮૭માં રેગને જૉય ચેરિયન નામના ભારતીય મૂળના અમેરિકનની ઇક્વલ એમ્પ્લૉયમેન્ટ ઑપોચ્યુર્નિટી કમિશનમાં નિમણૂક કરી હતી. એ પછી ચેરિયન ૧૯૯૦થી ૧૯૯૪ દરમ્યાન કમિશનર હતા. ૧૯૯૦માં શંભુ બાનિક નામના ભારતીય મૂળના સાઇકોલૉજિસ્ટની મેન્ટલ રિટાર્ડેશન કમિટીમાં નિમણૂક કરવામાં આવી હતી. એ પછી લાંબો વખત સુધી કોઈ ભારતીયને પ્રમુખની ટીમમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. જોકે ઓબામાએ રાજ શાહ (યુનાઇટેડ સ્ટેટસ એજન્સી ફૉર ઇન્ટરનૅશનલ ડેવલપમેન્ટના ઍડિમિનિસ્ટ્રેટર), વિનાઈ થુમ્મલ્લાપેલ્લી (બેલિઝ ખાતેના અમેરિકી રાજદૂત), વિક્રમ સિંહ ડેપ્યુટી અસિસ્ટન્ટ સેક્રેટરી ઑફ ડિફેન્સ), પ્રીત ભરાડા (ઍટર્ની), સુબ્ર સુરેશ (ડિરેક્ટર ઑફ નૅશનલ સાયન્સ ફાઉન્ડેશન) સહિતના અનેક ભારતીય મૂળના લોકોની મહત્વના પદે નિમણૂક કરી હતી.