૭ વર્ષના દીકરાની ભૂલને લીધે પોતાની જ કારથી કચડાઈ ગયેલા બ્રિટનના ગુજરાતીના મોત બદલ કોઈ દોષી નહીં

27 October, 2012 04:46 AM IST  | 

૭ વર્ષના દીકરાની ભૂલને લીધે પોતાની જ કારથી કચડાઈ ગયેલા બ્રિટનના ગુજરાતીના મોત બદલ કોઈ દોષી નહીં




લંડનમાં એક વિચિત્ર અકસ્માતમાં ૪૮ વર્ષના ગુજરાતી આઇટી એક્સપર્ટ પ્રતીક પંડ્યાનું મૃત્યુ થયું હતું. પાંચમી મેએ થયેલા આ અકસ્માત માટે કોઈ પણ જવાબદાર નથી એવો ચુકાદો ગઈ કાલે સ્થાનિક ર્કોટે આપ્યો હતો. ઘટના કંઈક એવી હતી કે પ્રતીક પંડ્યા પોતાના સાત વર્ષના દીકરા, પત્ની નિખિલા તથા અન્ય એક રિલેટિવ સાથે શૉપિંગ માટે નીકળ્યા હતા. તેમનો દીકરો કારની આગલી સીટ પર બેઠો હતો. દરમ્યાન એક જગ્યાએ પ્રતીક પંડ્યા કાર ઊભી રાખીને કોઈક વસ્તુ લેવા માટે બહાર નીકળ્યા હતા. એ વખતે ચ્યુઇંગ ગમ શોધી રહેલા તેમના દીકરાએ ભૂલથી હૅન્ડબ્રેક રિલીઝ કરી દેતાં કાર ગબડવા માંડી હતી.

અચાનક કારને ગબડતી જોઈને પ્રતીકે તાત્કાલિક એને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ દરમ્યાન તેમનો એક પગ કારની નીચે આવી ગયો અને ગબડી રહેલી કાર નજીકની દીવાલ સાથે ટકરાઈ હતી. એ વખતે પ્રતીક કાર અને દીવાલ વચ્ચે ફસાઈ ગયા હતા જેને કારણે તેમના પેટમાં અંદરના ભાગે ગંભીર ઈજા થવાથી લોહી વહેવા લાગ્યું હતું. આ ઘટના બની ત્યારે પ્રતીકની વાઇફ નિખિલા તેમની એક રિલેટિવ સાથે પાછલી સીટ પર વાત કરી રહી હતી. તેઓ કારને રોકવા કશું જ નહોતાં કરી શક્યાં. આઘાતજનક અકસ્માત બાદ તાત્કાલિક પ્રતીકને વેસ્ટ મિડલસેક્સ યુનિવર્સિટી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને બચાવવા માટે ત્રણ ઑપરેશન કરવામાં આવ્યાં હતાં. સર્જરી દરમ્યાન ઈજાને કારણે શરીરની અંદર ત્રણ લિટર જેટલું લોહી વહી ગયું હતું. અનેક પ્રયાસો છતાં પ્રતીકને નહોતા બચાવી શકાયા અને ઍક્સિડન્ટના બે દિવસ પછી (૭ મે) તેમનું મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ તેમના દીકરાએ કહ્યું હતું કે ‘મારો જ વાંક છે. પપ્પા મને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.’

મૃત્યુનું પ્રમાણપત્ર આપતા સરકારી અધિકારીએ સુનાવણી બાદ જાહેર કર્યું હતું કે પ્રતીક પંડ્યાનું મોત એક અકસ્માત હતો અને એ માટે કોઈને જવાબદાર ન ઠેરવી શકાય.

આઇટી = ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી