હાઇ લા, હવે ભારત પછી અમેરિકામાંથી પણ ટિકટૉક સહીતની એપ્સને તગેડી દેવાશે

18 September, 2020 06:49 PM IST  |  Washington DC | Gujarati Mid-day Online Correspondent

હાઇ લા, હવે ભારત પછી અમેરિકામાંથી પણ ટિકટૉક સહીતની એપ્સને તગેડી દેવાશે

ભારત અને ઑસ્ટ્રેલિયામાં બાન થઇ ચુકી છે ચાઇનીઝ એપ્સ

બની શકે છે કે ભારતની માફક હવે અમેરિકા પણ ચાઇનિઝ એપને પોતાના દેશમાંથી તગેડી મુકશે. ભારતે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો તે પછી હવે અમેરિકા પણ ટિકટૉક અને યુસી બ્રાઉઝસર સહિતની ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકી શકે છે તેવા સંકેત વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ અને નેશનલ સિક્યુરિટી એડવાઈઝર રોબર્ટ ઓ-બ્રીને આપ્યા. 

ચીનની સોશિયલ મીડિયા એપ્સ યુઝર્સની ગુપ્ત માહિતીની તફડંચી કરી શકે છે તેવી દહેશત અને ચીન સાથેના તંગ સબંધોને પગલે  ભારતે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો. ભારતના આ પગલાં પછી ઓસ્ટ્રેલિયાની સરકારે પણ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા શરૂ કરી. હવે લાગે છે કે અમેરિકાએ પણ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાની દિશામાં ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું છે.

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ એક મીડિયા ઈન્ટરવ્યૂમાં સંકેત આપતા કહ્યું હતું કે ભારત-ઓસ્ટ્રેલિયાએ યુઝર્સની સંવેદનશીલ માહિતી ગુપ્ત રાખવા માટે ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે એ પછી હવે અમેરિકા પણ પ્રતિબંધ મૂકવા વિચારી રહ્યું છે. પોમ્પિઓએ કહ્યું કે તેમણે   પ્રમુખ ટ્રમ્પ સાથે ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાને લઈને ગંભીર ચર્ચા કરી અને તેઓ પણ આ પોપ્યુલર ચાઈનીઝ એપ્સને બેન કરવાના પક્ષમાં હતા.

પોમ્પિઓએ કહ્યું હતું કે અમેરિકાએ તો પહેલેથી જ ચીની કંપનીઓ - હુઆવેઈ અને ઝેડટીઈને પ્રતિબંિધત કરી દીધી છે. 5જી નેટવર્ક પર કામ કરતી આ કંપનીઓ યુઝર્સની સંવેદનશીલ માહિતી ચાઈનીઝ સરકારને આપી શકે એવી શક્યતાના પગલે આ કાર્યવાહી કરાઈ હતી. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે દેશના કરોડો યુઝર્સ માટે ખતરારૂપ જણાશે એવી એપ્સ પર સરકાર પ્રતિબંધ મૂકી દેશે. તે અંગે ગંભીરતાથી વિચારણા થઈ રહી છે.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ-બ્રીને પણ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો સંકેત આપ્યો હતો. અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઈઝરે ચીની સરકાર પર આરોપ લગાવ્યો હતો કે ચીનની સરકાર ટિકટોકનો ઉપયોગ પોતાના હિતો માટે કરે છે. અમેરિકામાં ટિકટોકના ચાર કરોડ જેટલા યુઝર્સ હોવાથી સાવધાની રાખવી જરૂરી છે.

એનએસએના કહેવા પ્રમાણે અમેરિકામાં બાળકો અને યંગસ્ટર્સ  ટિકટોક યુઝર્સ છે એટલે વિશેષ સાવચેતી રાખવી પડશે.અમેરિકન કોંગ્રેસ સમક્ષ ચાઈનીઝ એપ્સને પ્રતિબંધિત કરવા સહિતના બે બિલ હજી પ્રોસેસમાં છે જો બિલને મંજૂરી મળી જશે તો ટૂંક સમયમાં અમેરિકામાં પણ ચીનની એપ્સ પર પ્રતિબંધ મૂકાઈ જશે.

united states of america china donald trump tiktok