ખાંડમાંથી બનશે ડીઝલ

09 November, 2012 05:26 AM IST  | 

ખાંડમાંથી બનશે ડીઝલ



નજીકના ભવિષ્યમાં સ્વીટ ડીઝલથી દોડતી કાર રસ્તા પર જોવા મળે તો નવાઈ નહીં. અમેરિકી વિજ્ઞાનીઓએ એક એવી પદ્ધતિ વિકસાવી છે જેની મદદથી ખાંડમાંથી ડીઝલ બનાવી શકાશે. યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયાના વિજ્ઞાનીઓનું કહેવું છે કે એક જમાનામાં જે પદ્ધતિ દ્વારા વિસ્ફોટકો બનાવી શકાતા હતા એ જ પદ્ધતિમાં સહેજ ફેરફાર કરીને ડીઝલ બનાવી શકાય છે. વિજ્ઞાનીઓના જણાવ્યા પ્રમાણે આવતાં પાંચથી દસ વર્ષમાં આ પદ્ધતિ દ્વારા વ્યાવસાયિક ધોરણે ખાંડમાંથી ડીઝલનું ઉત્પાદન કરી શકાશે.

અત્યારે પણ વિવિધ પ્રકારની વનસ્પતિમાંથી ડીઝલ બનાવી શકાય છે પણ તેનો ખર્ચ અત્યંત ઊંચો હોય છે, જ્યારે અમેરિકી વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ નવી પદ્ધતિ દ્વારા ડીઝલના ઉત્પાદનનો ખર્ચ પરવડી શકે એટલો હશે. એટલું જ નહીં, આ ટેક્નિક પર્યાવરણને પણ અનુકૂળ છે. વિજ્ઞાનીઓએ કરેલી ટેસ્ટમાં ખાંડમાંથી બનાવવામાં આવેલું ડીઝલ પણ પેટ્રોલિયમ આધારિત ડીઝલ જેટલું જ કાર્યક્ષમ છે. આ ડીઝલ દ્વારા કોઈ પણ સંજોગોમાં હાલનાં વાહનોને ચલાવી શકાશે.