સંયુક્ત રાષ્ટ્રની ૧૦ નવેમ્બરને મલાલા ડે તરીકે મનાવવાની જાહેરાત

11 November, 2012 05:22 AM IST  | 

સંયુક્ત રાષ્ટ્રની ૧૦ નવેમ્બરને મલાલા ડે તરીકે મનાવવાની જાહેરાત



સંયુક્ત રાષ્ટ્રે પાકિસ્તાનની ૧૪ વર્ષની માનવઅધિકાર કાર્યકર મલાલા યુસુફઝઈના માનમાં ૧૦ નવેમ્બરને ‘મલાલા ડે’ તરીકે મનાવવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનમાં છોકરીઓને શિક્ષણથી વંચિત રાખવાનો વિરોધ કરવા બદલ ગયા મહિને તાલિબાને મલાલાને ગોળીઓ મારીને ગંભીર રીતે ઘાયલ કરી હતી. મલાલા અત્યારે બ્રિટનના બર્મિંગહૅમ શહેરની એલિઝાબેથ હૉસ્પિટલમાં સારવાર લઈ રહી છે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન-કી-મૂનના વૈશ્વિક શિક્ષણ માટેના ખાસ પ્રતિનિધિ અને બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ગૉર્ડન બ્રાઉને ગઈ કાલે ૧૦ નવેમ્બરને મલાલા ડે તરીકે મનાવવામાં આવશે એવી જાહેરાત કરી હતી. બ્રાઉને કહ્યું હતું કે ‘વિશ્વે અત્યારે મલાલાના રસ્તે ચાલવાની જરૂર છે. સ્કૂલમાં ભણતી આ છોકરી હિંમતનું પ્રતીક છે. તેણે દુનિયાભરના કરોડો લોકોનાં દિલ જીતી લીધાં છે. મલાલાનું સપનું છે કે પાકિસ્તાનની દરેક છોકરી સ્કલૂમાં જતી થાય અને મુક્તપણે ભણે.’

સંયુક્ત રાષ્ટ્રના વડાએ તેમના મેસેજમાં કહ્યું હતું કે ‘શિક્ષણ એ મૂળભૂત અધિકાર છે. એ વિકાસ, સહિષ્ણુતા અને વૈશ્વિક નાગરિકત્વનો માર્ગ છે.’

દુનિયાભરના દેશોના લોકો મલાલાના સર્પોટમાં આગળ આવ્યા છે. હવેથી દર ૧૦ નવેમ્બરે બ્રિટન અને અમેરિકા સહિતના ૧૦૦ દેશોમાં મલાલાના માનમાં ખાસ કાર્યક્રમો યોજાશે. બ્રિટનમાં આ નિમિત્તે સંખ્યાબંધ ઇવેન્ટ્સ યોજવામાં આવી હતી. બ્રિટન સહિત અનેક દેશોમાં મલાલાને શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ આપવાની ડિમાન્ડ પણ થઈ છે.