નૉર્વેમાં ૭૭ લોકોની હત્યા કરનાર બ્રેવિકને ૨૧ વર્ષની જેલની સજા

25 August, 2012 09:44 AM IST  | 

નૉર્વેમાં ૭૭ લોકોની હત્યા કરનાર બ્રેવિકને ૨૧ વર્ષની જેલની સજા

 

 

નૉર્વેમાં ગયા વર્ષે બૉમ્બવિસ્ફોટ અને આડેધડ ગોળીબાર કરીને ૭૭ લોકોને મોતને ઘાટ ઉતારી દેનાર ઍન્ડર્સ બેરિંગ બ્રેવિકને ગઈ કાલે ઑસ્લોની ર્કોટે ૨૧ વર્ષની જેલની સજા ફટકારી હતી. બ્રેવિકે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. ૨૦૧૧ની ૨૨ જુલાઈએ બ્રેવિકે નૉર્વેની રાજધાની ઑસ્લોમાં એક સરકારી ઑફિસની બહાર બૉમ્બવિસ્ફોટ કર્યો હતો, જેમાં આઠ લોકોનાં મોત થયાં હતાં. એ પછી તેણે પોલીસના યુનિફૉર્મમાં ઑસ્લોની નજીક આવેલા ઉટોયો ટાપુ પર લેબર પાર્ટીના યુથ કૅમ્પમાં પહોંચી આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં ૬૯ લોકોનાં મોત થયાં હતાં. મરનારાઓમાં મોટા ભાગના યુવાનો હતા.

 

૩૩ વર્ષના બ્રેવિકને ઑસ્લો નજીક આવેલી ઇલા જેલમાં રાખવામાં આવશે. નૉર્વેના જેલ-અધિકારીઓએ કહ્યું હતું કે બ્રેવિકને તેના જેલવાસ દરમ્યાન અન્ય કોઈ પણ કેદીને મળવા નહીં દેવાય. એટલા માટે તેને જેલવાસ દરમ્યાન ત્રણ રૂમ આપવામાં આવશે. આ સાથે તેને એક લૅપટૉપ પણ આપવામાં આવશે. જોકે એ ઇન્ટરનેટથી જોડાયેલું નહીં હોય. બ્રેવિકના વકીલોએ કહ્યું હતું કે જેલવાસ દરમ્યાન બ્રેવિક પોતાની વિચારધારા પર આધારિત પુસ્તક લખવાનો છે.

 

ગઈ કાલે ઑસ્લોની ર્કોટે બ્રેવિકને સજા સંભળાવતાં પહેલાં તે માનસિક રીતે સંપૂર્ણ તંદુરસ્ત હોવાનું કહ્યું હતું. બ્રેવિકે પોતાના ગુના બદલ ક્યારેય અફસોસ વ્યક્ત કર્યો નહોતો એટલું જ નહીં, તેણે ફરી વાર પણ હુમલાઓ કરવાની ચેતવણી આપી હતી. ગઈ કાલે ર્કોટરૂમમાં પ્રવેશતાંની સાથે જ તેણે હિટલરની જેમ એક હાથ આગળ કરીને સૅલ્યુટ કરી હતી.