નૉર્થ કોરિયાએ અમેરિકાને શસ્ત્રોની તાકાત બતાવી

15 April, 2017 11:32 PM IST  | 

નૉર્થ કોરિયાએ અમેરિકાને શસ્ત્રોની તાકાત બતાવી



નૉર્થ કોરિયાના સ્થાપક કિમ ઇલ સુંગના ૧૦૫મા જન્મદિન નિમિત્તે પ્યૉન્ગયાંગમાં યોજાયેલી પરેડમાં બૅલિસ્ટિક મિસાઇલ્સ સહિત અદ્યતન શસ્ત્રસરંજામ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. કિમ ઇલ સુંગના પૌત્ર અને નૉર્થ કોરિયાના હાલના શાસક કિમ ઉન જૉન્ગે પરેડની સલામી ઝીલી હતી.


પ્યૉન્ગયાંગના કિમ ઇલ સુંગ સ્ક્વેરમાં લિમોઝિન કારમાંથી બહાર નીકળીને કિમ ઉન જૉન્ગે સલામી ઝીલી હતી. ત્યાર પછી બ્લૅક સૂટ અને વાઇટ શર્ટ પહેરેલા સરમુખત્યાર રેડ કાર્પેટ પર ચાલતાં-ચાલતાં મંચ પર પહોંચ્યા હતા. કિમ ઉન જૉન્ગે મંચ પરથી પરેડમાં પસાર થતા સૈનિકો અને નાગરિકોને તાળીઓ પાડીને વધાવી લીધા હતા. 

નૉર્થ કોરિયા છઠ્ઠા પરમાણુ-પરીક્ષણ અથવા ઇન્ટર-કૉન્ટિનેન્ટલ બૅલિસ્ટિક મિસાઇલ-લૉન્ચિંગની તૈયારી કરતું હોવાની ચર્ચાઓના વાતાવરણમાં યોજાયેલી પરેડમાં આ શસ્ત્રસરંજામ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. પરેડમાં ટ્રકોમાં ગોઠવાયેલાં ધ્ફ્-૦૮ મિસાઇલ્સ પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં. એ મિસાઇલ્સ છેક અમેરિકા સુધી ટાર્ગેટને વીંધી શકે એવાં ગણાય છે.